અમદાવાદમાં નવરંગપુરા સ્થિત સરદાર પટેલ સ્ટેડિયમ રોડ પર આવેલા એક કોમ્પલેક્સમાં બુધવારની વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. જોકે આ ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. એક દુકાનમાં લાગેલી આગ જોત જોતામાં આસપાસની ત્રણ દુકાનો સુધી પ્રસરી હતી.
આગને પગલે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં આગ લાગી હતી જ્યારે ઉપર રહેણાક ફ્લેટ સુધી ધુમાડો પહોંચ્યો હતો. ફ્લેટમાંથી ચાર મહિલાઓ સહિત આઠનું સુરક્ષિત બહાર લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર મહારાજ સમોસા નામની ફરસાણની દુકાનમાં કોઈ કારણસર આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.













