પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચીનના હેકિંગ ગ્રૂપે તાજેતરના સપ્તાહોમાં ભારતની વેક્સીન કંપનીઓ સીરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેકની આઇટી સિસ્ટમને ટાર્ગેટ કરી હતી, એમ સાઇબર ઇન્ટેલિજન્સ કંપની સાયફર્માએ રોઇટર્સને જણાવ્યું હતું. આ બંને કંપનીઓ કોરોના વેક્સીનનું ઉત્પાદન કરે છે અને ભારતમાં આ બંને કંપનીઓની વેક્સીન મારફત રસીકરણ અભિયાન ચાલે છે. આ બંને કંપનીઓ વિશ્વના ઘણા દેશોમાં પણ વેક્સીનની નિકાસ કરે છે. સીરમ વિશ્વની સૌથી મોટી વેક્સીન ઉત્પાદક કંપની છે. ભારતમાં વિશ્વની કુલમાંથી આશરે 60 ટકા વેક્સીનનું ઉત્પાદન કરે છે.

ગોલ્ડમેન સાક્સનું સમર્થન ધરાવતી સાયફર્માએ જણાવ્યું હતું કે ચીનના હેકર્સ ગ્રૂપ APT10 (સ્ટોન પાંડા તરીકે પણ ઓળખાય છે)એ ભારત બાયોટેક અને સીરમના આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેઇન સોફ્ટવેરની ઉણપો શોધી કાઢી હતી.

સાયફર્માના ચીફ એક્ઝિક્યુટિવ કુમાર રિતેશે જણાવ્યું હતું કે આ સાઇબર એટેકનો મૂળ હેતુ બૌદ્ધિક સંપત્તિની ચોરી કરવાનો અને તે રીતે ભારતની ફાર્મા કંપનીઓ સામે સ્પર્ધાત્મક લાભ લેવાનો છે. કુમાર રિતેશ અગાઉ બ્રિટનની ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી MI6ના ટોચના સાઇબર અધિકારી હતી.

તેમણે જણાવ્યું હતું કે APT10એ સીરમને ટાર્ગેટ કરી રહી છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ એસ્ટ્રાઝેનેકાની વેક્સીનનું ઉત્પાદન કરે છે અને ઘણા દેશોમાં નિકાસ કરે છે. હેકર્સનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે સીરમના કિસ્સામાં ઘણા પબ્લિક સર્વર્સ નબળા વેબ સર્વર આધારે ચાલતા હતા. ચીનના વિદેશ મંત્રાલયે આ અંગે ટીપ્પણી કરી ન હતી. સીરમ અને ભારત બાયોટેકે પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સાયફર્માએ આ અંગેની માહિતી સરકારની કમ્પ્યૂટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમને આપી હતી. અમેરિકાના ન્યાય વિભાગે 2018માં જણાવ્યું હતું કે ચીનનું આ હેકર જૂથ ચીનની સરકારના સમર્થનથી ચાલે છે.