Retail Shoplifting. Woman Stealing In Supermarket. Theft At Shop

મેટ્રોપોલિટન પોલીસે ઓર્ગેનાઇઝ્ડ શોપલિફ્ટિંગ ગેંગ્સ સામેના અત્યાર સુધીના સૌથી મોટા ઓપરેશનમાં દુકાનોમાંથી ચોરાયેલો ખોરાક, ઇલેક્ટ્રોનિક્સ અને કોસ્મેટિક્સ સહિત લાખો પાઉન્ડનો સરસામાન જપ્ત કરી 32 લોકોની ધરપકડ કરી છે. બે દિવસમાં, 300થી વધુ પોલીસ અધિકારીઓએ ચોરીનો માલ વેચતા હોવાની શંકાને આધારે લંડનની 120થી વધુ દુકાનો પર દરોડા પાડ્યા હતા. પોલીસે નવ સ્ટોર્સને બંધ કરવાની સૂચનાઓ જારી કરી હતી.

ટ્રેડિંગ સ્ટાન્ડર્ડ્સ, બોર્ડર ફોર્સ, મુખ્ય રિટેલર્સ અને એજન્સીઓ સાથે હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઝોરિડોનમાં ઓર્ગેનાઇઝ્ડ શોપલિફ્ટિંગ ગેંગ્સ સાથે જોડાયેલા બિઝનેસીસને લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. વૂલીચમાં પાડવામાં આવેલા દરોડામાં 2,000 શંકાસ્પદ ચોરાયેલા ફોન, છુપાયેલા કમ્પાર્ટમેન્ટ અને £50,000 મૂલ્યના ગેમિંગ કન્સોલ મળી આવ્યા હતા.

પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ લ્યુક બાલ્ડોકે જણાવ્યું હતું કે ‘’આ દરોડાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ચોરાયેલી વસ્તુઓ ખરીદવા અથવા વેચવાથી ગુનાખોરીને ભંડોળ મળે છે અને લંડનવાસીઓ માટે ખર્ચ વધે છે. મેયર સાદિક ખાને મેટ પોલીસના પ્રયાસોની પ્રશંસા કરી હતી.  આ વર્ષે ઉકેલાયેલા શોપલિફ્ટિંગ કેસોમાં 92% વધારો નોંધાયો છે.

હોમ સેક્રેટરી શબાના મહમૂદ અને પોલીસીંગ અને ક્રાઇમ મિનિસ્ટર સારાહ જોન્સે જણાવ્યું હતું કે દુકાનોમાં થતી ચોરીઓ સમુદાયોને બરબાદ કરે છે અને ગુનેગારોને નાથવા માટે વધુ પોલીસ અને કડક સત્તાઓનું વચન આપ્યું હતું. એસોસિએશન ઓફ કન્વીનિયન્સ સ્ટોર્સે આ કામગીરીને અસરકારક અમલીકરણ માટે એક મોડેલ ગણાવી હતી.

મેટ પોલીસે મુખ્ય રિટેલરો પાસેથી ચોરાયેલી વસ્તુઓ ઓળખવા માટે સીલેક્ટાDNA જેવી યુક્તિઓનો ઉપયોગ કર્યો હતો. પોલીસે ખોરાક અને દારૂ જેવી વસ્તુઓને દે તે સ્ટોર્સના કોડ લખી અનોખા કૃત્રિમ પ્રવાહીથી માર્ક કરી હતી. આ ચોરાયેલો માલ જે તે દુકાનેથી મળ્યા બાદ મૂળ રિટેલરોને પરત અપાતો હતો. આનાથી પોલીસને કોર્ટ કાર્યવાહી કરવા માટે મજબૂત પુરાવા મળતા હતા. સીલેક્ટાDNA માર્ક કરેલા નિશાનો સુંઘવા માટે પોલીસ જે તે દુકાનોમાં જઇને તાલીમ પામેલા કૂતરાઓનો ઉપયોગ કરે છે અને તે કુતરાઓ ચોરેલા સામાનને ઓળખી કાઢે છે.

મેટ પોલીસ લાંબા સમય સુધી દુકાનો બંધ કરાવવાના આદેશો મેળવવા અને સમગ્ર લંડનમાં સમાન કામગીરીનો વિસ્તાર કરવાની યોજના ધરાવે છે.

LEAVE A REPLY