પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની 27 માર્ચથી ચાલુ થઈ રહેલી ચૂંટણી માટે રાજ્યના મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીએ શુક્રવારે ૨૯૧ ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. મમતા બેનર્જીએ નંદીગ્રામથી ચૂંટણી મેદાને ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. ઉત્તર બંગાળની ત્રણ સીટો પર ટીએમસી પોતાના ઉમેદવાર નહીં ઉતારે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં 51 મહિલાઓ અને 42 મુસ્લિમ ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે 79 દલિત ઉમેદવારોને મોકો આપવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સભ્યોની કુલ સંખ્યા 294 છે અને અહીં ભાજપ અને ટીએમસી વચ્ચે જંગ છે.

મમતા બેનર્જીએ જાહેરાત કરી કે, તેઓ તેમની પરંપરાગત ભવાનીપુર બેઠક પરથી ચૂંટણી નહીં લડે. તેઓ માત્ર નંદીગ્રામથી જ ચૂંટણી લડશે. મમતાએ પરંપરાગત સીટ ભવાનીપુર શોભનદેવ ચેટર્જીને ચૂંટણી મેદાનામાં ઉતાર્યા છે. નંદીગ્રામ બેઠક પર તેઓ ટીએમસીમાંથી ભાજપમાં ગયેલા સુબેન્ધુ અધિકારીને પડકારવા માગે છે.

મમતા બેનર્જીએ કહ્યું કે, દાર્જિલિંગમાં ત્રણ બેઠકો સાથી પાર્ટીઓને આપવાનો નિર્ણય કર્યો છે. સાથે જ તેમણે ૮૦ વર્ષથી વધુની ઉંમરના લોકોને ચૂંટણીમાં નહીં ઉતારવાનો નિર્ણય લીધો છે. ટીએમસીના હાલના ૨૮ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી નથી. મમતાએ તેમના ચૂંટણી કાર્યક્રમની માહિતી આપતાં કહ્યું કે, તેઓ ૧૦મી તારીખે નંદીગ્રામમાં ઉમેદવારી નોંધાવશે અને ૧૧મી તારીખે ચૂંટણી કાર્યક્રમોમાં ભાગ લેશે.