પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકા આગામી દિવસોમાં ભારતને 100 મિલિયન ડોલરની કોવિડ-19 રાહત સામગ્રી આપશે. તાકીદની હેલ્થ સપ્લાય સાથેની પ્રથમ ફ્લાઇટ રવાના થઈ ગઈ છે, એમ વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું.

અમેરિકાની રાહત સામગ્રીમાં 440 ઓક્સિન સિલિન્ડર્સ એન્ડ રેગ્યુલેટર્સ, 960,000 રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, 100,000 એન-95 માસ્કનો સમાવેશ થાય છે.

અમેરિકાની રાજ્ય સરકારો, ખાનગી કંપનીઓ, બિનસરકારી સંગઠનો અને હજારો અમેરિકન નાગરિકો ઓક્સિજન સંબંધિત ઇક્વિપમેન્ટ અને આવશ્યક સપ્લાય આપવા માટે પ્રયાસો કરી રહ્યા છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે તાકીદની ઇમર્જન્સી સેવામાં ઓક્સિજન સપોર્ટ, ઓક્સિજન કન્સ્ટ્રેટર્સ, ઓક્સિજન જનરેશન યુનિટ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ, વેક્સીન મેન્યુફેક્ચરિંગ સપ્લાય અને રેપિડ ડાયગ્નોસ્ટિક ટેસ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે વધુ 15 મિલિયન એન-95 માસ્ક પૂરા પાડશે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બાઇડન સરકારે એસ્ટ્રેઝેનેકા સપ્લાય અંગેના આદેશમાં પણ ફેરફાર કર્યો છે. તેનાથી ભારત 20 મિલિયન ડોઝ વેક્સીનનું ઉત્પાદન કરી શકશે. અમેરિકા ભારતને એન્ટિવાયરલ દવા રેમડેસિવિરના 20,000 ટ્રીટમેન્ટ કોર્સ પૂરા પાડશે.