અમેરિકાના સંરક્ષણ વિભાગ પેન્ટાગોને સોમવારે જણાવ્યું હતું કે અમેરિકા તરફથી પાકિસ્તાનને અપાતી સંરક્ષણ સહાય પર જે પ્રતિબંધ મુકાયો હતો તેની સ્થિતિમાં હજુ કોઇ ફેરફાર થયો નથી.
પેન્ટાગોનના પ્રેસ સેક્રેટરી જોહન કિરબીએ પત્રકારોને જણાવ્યું હતું કે હાલમાં પાકિસ્તાનને અમેરિકાની સંરક્ષણ સહાય પરનો પ્રતિબંધ યથાવત છે. તેમાં ફેરફાર થશે કે નહીં તે અંગે હું કોઇ અટકળ કરવા માગતો નથી. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 2018માં પાકિસ્તાનને અપાતી તમામ પ્રકારની સંરક્ષણ સહાય પર પ્રતિબંધ મુકી દીધો હતો અને કહ્યું હતું કે, આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાનની ભૂમિકા અને તેની પાસેથી મળી રહેલા સહયોગથી અમેરિકા સંતુષ્ટ નથી.
એક દિવસ પહેલા જ અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝ જેક સુલિવાને જિનિવા ખાતે પાકિસ્તાનના પોતાના સમકક્ષ મોઈદ યુસુફ સાથે મુલાકાત કરી હતી. જેમાં બંને પક્ષો વચ્ચે સહયોગ વધારવા માટે અને ભવિષ્યમાં પણ વાર્તાલાપ આગળ વધારવા માટે ચર્ચા થઈ હતી.