પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા રેડિયોમિર્ચી ટાવર સામે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંગળવારે સવારે ભીષણ આગ ફાટી નીકળતા આશરે 30 ઝુંપડા બળીને ખાખ થયા હતા. જોકે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઈ ન હતી. પોલીસ આ ઘટનાના કારણોની તપાસ કરી રહી છે. પ્રાથમિક અહેવાલ મુજબ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટને કારણે આગ લાગી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ઝૂંપડાંમાં આગ લાગતાં ફાયરબ્રિગેડ બચાવ અને રાહત કામગીરી ચાલુ કરીને આગને કાબુમાં લીધી હતી. આ દુર્ઘટનામાં 25ની આસપાસ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં છે. ઝૂંપડપટ્ટીના આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો.

આગની હોનારતને પગલે મિર્ચી રોડ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. આગમાં શ્રમજીવી પરિવારોની ઘરવખરી બળીને ખાખ થઈ જતા તેઓ ચોધાર આંસુએ રડવા લાગ્યા હતા.