ભારતમાં રવિવારે કોરોનાના વાઇરસના 1,65,553 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લાં 46 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 2,78,94,800 થઈ હતી. નવા 3,460ના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 3,25,972 થયો હતો, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવાવરે સવારે આઠ વાગ્યે જણાવ્યું હતું.
દેશમાં ડેઇલી પોઝિટિવિટી રેટ ઘટીને 8.02 ટકા થયો હતો, જે સતત છઠ્ઠા દિવસે 10 ટકા નીચો રહ્યો હતો. વીકલી પોઝિટિવિટી રેટ ઘટીને 9.36 ટકા થયો હતો. શનિવારે દેશમાં 20,63,839 કોરોના ટેસ્ટ કરાયા હતા.
એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 21,14,508 થઈ હતી, જે કુલ કેસના 7.58 ટકા છે. રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ સુધરીને 91.25 ટકા થયો હતો. કોરોનાથી અત્યાર સુધીમાં દેશમાં 2,54,54,320 લોકો રિકવર થયા છે અને મૃત્યુદર 1.17 ટકા છે.
દેશમાં થયેલા કુલ 3,460 મોતમાંથી મહારાષ્ટ્રમાં 832, કર્ણાટકમાં 492, તમિલનાડુમાં 486, કેરળમાં 198, ઉત્તરપ્રદેશમાં 155, પશ્ચિમ બંગાળમાં 148, પંજાબમાં 125, દિલ્હીમાં 122 અને આંધ્રપ્રદેશમાં 104 મોતનો સમાવેશ થાય છે.