ભારતમાં 1 જૂનથી ડોમેસ્ટિક ફ્લાઇટની મુસાફરી મોંઘી બનશે. સિવિલ એવિએશન મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફલાઈટના ભાડામાં 13થી 16 ટકાનો વધારો કર્યો છે, જે 1 જૂનથી અમલમાં આવશે. દેશમાં કોરોના વાઇરસના સંક્રમણ વચ્ચે ફલાઇટના પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાતા એરલાઈન કંપનીઓને આર્થિક નુકસાન થયું છે. આ સ્થિતિમાં એરલાઈન્સને મદદ કરવા માટે સરકારે ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી છે. આ ભાવ વધારો નીચલી કેટેગરીમાં અમલમાં આવશે. મિનિસ્ટ્રીએ ડોમેસ્ટિક ફલાઇટ  સર્વિસીઝને સાત કેટેગરીમાં વહેંચી છે. જેના આધારે ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. દરેક કેટગરીમાં નવો ટિકિટ રેટ આ મુજબ રહેશે. 40 મિનિટ સુધીની મુસાફરી માટે રૂ. 2600થી 7800, 40 થી 60 મિનિટ માટે રૂ. 3300થી 7800, 60થી 90 મિનિટ માટે રૂ. 4000થી 11700, 90થી 120 મિનિટની મુસાફરી માટે રૂ. 4700 થી 13000, 120થી 150 મિનિટની મુસાફરી માટે રૂ. 6100 થી 1690, 180થી 210 મિનિટની મુસાફરી માટે રૂ. 8700થી 24200 સુધીનું ભાડું રહેશે. અગાઉ એપ્રિલમાં પણ સરકારે એડિશનલ સિક્યુરિટી ફંડ તરીકે ઘરેલું મુસાફરો પાસે વધારાના રૂ. 40 અને ઇન્ટરનેશનલ પ્રવાસીઓ પાસેથી રૂ.114 લેવાનું નક્કી કર્યું હતું.