દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (PTI Photo)()

ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સોમવારે ગુજરાતની એક દિવસની મુલાકાત લેશે. રવિવારે ગુજરાતીમાં ટ્વીટ કરીને કેજરીવાલે જણાવ્યું હતું કે હવે બદલાશે ગુજરાત…કાલે હું ગુજરાત આવી રહ્યો છું. ગુજરાતના બધા ભાઇ બહેનોને મળીશ.
કેજરીવાલ રાજ્યમાં તેમના પક્ષને વધુ મજબૂત કરવા અને ચૂંટણીની અગાઉથી તૈયારી કરવા આવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. સોમવારે કેજરીવાલની મુલાકાત દરમિયાન સંખ્યાબંધ નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી શક્યતા છે.

આમ આદમી પાર્ટી (AAP)એ 2017માં વિધાનસભાની ચૂંટણી લડીને રાજ્યના રાજકારણમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ પક્ષને એકપણ બેઠક મળી ન હતી. જોકે આ વર્ષે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટીને થોડી સફળતા મળી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પાર્ટીને 27 બેઠકો મળી હતી. પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કુલ 42 બેઠકો મળી હતી. પાર્ટીના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલે આગામી દોઢ વર્ષમાં રાજ્યની વારંવાર મુલાકાત લેશે, કારણ કે પાર્ટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્ય ગુજરાતમાં તેના વ્યાપમાં વધારો કરવા માગે છે.
કેજરીવાલ રાજ્યમાં પાર્ટીના હેડક્વાર્ટરનું ઉદઘાટન કરશે અને કાર્યકરો સાથે વાતચીત કરશે. તેઓ ગુજરાત માટેની પાર્ટીની યોજના જારી કરશે.

12મી જૂને કાગવડ ખાતેના ખોડલધામ મંદિર ખાતે લેઉઆ અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક પછી પાટીદાર નેતા નરેશ પટેલે કોરોનામાં સરકારની કામગીરીની ટીકા કરી અને દિલ્હી અને અન્ય રાજયોમાં આમ આદમી પાર્ટીએ કરેલી કામગીરીના વખાણ કર્યા હતા. આ સ્થિતિમાં કેજરીવાલની મુલાકાતને વિશેષ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે. ૉ