ઇન્ડીપેન્ડન્ટ રોડ સેફ્ટી કેમ્પેઇનર અને પબ્લિક સ્પીકર મીરા નારણને તેમની સેવો બદલ મેમ્બર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટીશ એમ્પાયર એવોર્ડ (MBE) એનાયત કરવામાં આવ્યો છે.
મે 2018માં, તેમણે એમ-સીક્સ પર સ્માર્ટ મોટરવે અકસ્માતમાં પોતાનો આઠ વર્ષના પુત્ર દેવને ગુમાવ્યો હતો. તે સમયથી, તેમણે 18-પોઇન્ટનો એક્શન પ્લાન અપનાવવા માટે સફળતાપૂર્વક અભિયાન ચલાવ્યું હતું જેને પગલે ડીપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટે £5 મિલિયનના વધારાનો ખર્ચ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. તેમનું એક જ લક્ષ્ય છે કે સલામત રસ્તાઓ પર ડ્રાઇવરો સદાયને માટે સુરક્ષિત રહે.
મીરા નારણ આ વાસ્તવિક પરિવર્તનને અસરકારક બનાવવા માટે ડીપાર્ટમેન્ટ ફોર ટ્રાન્સપોર્ટ અને હાઇવે ઇંગ્લેન્ડની સાથે સલાહકાર તરીકે સ્વતંત્ર રીતે સેવાઓ આપે છે. તેઓ મોટર વે પર વાહન હંકારતા ડ્રાઈવરોની જાગૃતિને સુધારવા માટે હાઇવે કોડમાં પરિવર્તન લાવવા માંગે છે અને તેની ખાતરી કરવા માંગે છે કે કોઈ પણના પ્રિય વ્યક્તિને પોતાનું સ્વજન ગુમાવવાની પીડામાંથી પસાર થવુ ન પડે.
મીરા લેસ્ટરની ડી મોન્ટફોર્ટ યુનિવર્સિટીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ક્લિનિકલ ફાર્મસીમાં સિનિયર લેક્ચરર તરીકે સેવા આપે છે અને ક્વોલીફાઇડ ફાર્માસિસ્ટ છે.