બોરિસ જોન્સન - Dan Kitwood/Pool via REUTERS

બ્રિટને હવે કોરોનાવાઇરસ સાથે રહેતા શીખવું પડશે:  વડા પ્રધાન

વડા પ્રધાન બોરીસ જૉન્સને લોકડાઉનને હટાવવા માટેની પહેલાથી નક્કી કરાયેલી 21 જુનની તારીખ બદલીને હવે લોકડાઉનનો અંત નવી “ટર્મિનસ ડેટ” 19 જુલાઇએ કરવાની જાહેરાત કરી છે. 13 જૂન રવિવારના રોજ ભારતથી આવેલા ડેલ્ટા વેરીયન્ટના 7,490 કેસો નોંધાયા હતા અને તેને પગલે નિષ્ણાતોને ડર છે કે આગામી સપ્તાહોમાં હોસ્પિટલાઇઝેશન વધશે. વડા પ્રધાન જોન્સને કહ્યું હતું કે ‘’બ્રિટને હવે કોરોનાવાઇરસ સાથે રહેતા શીખવું જ પડશે.

વડા પ્રધાન જોન્સને 14 જૂનના રોજ જણાવ્યું હતું કે ‘’કોરોનાવાઇરસથી વધુ લોકોને બચાવવા માટે રસીકરણ કાર્યક્રમ ઝડપી બનાવવામાં આવશે. એક મહિના સુધી અનલોકિંગ પાછું ઠેલવાથી હજારો લોકોનો જીવ બચશે. હું “ખૂબ વિશ્વાસપૂર્વક” કહી શકું છું કે નવી તારીખે પ્રતિબંધોનો અંત આવશે પરંતુ તે માટે “કાસ્ટ-આયર્ન ગેરેંટી” આપી શકુ નહીં. થોડી વધુ રાહ જોવી એ સંવેદનશીલ છે જેથી બાકી રહી ગયેલા લોકોને રસી આપી શકાય. આ માટે એનએચએસને થોડા વધુ નિર્ણાયક અઠવાડિયા આપવા જરૂરી છે. હવે સાવચેતી રાખીને આવતા ચાર અઠવાડિયામાં લાખો લોકોને રસી આપીને હજારોની સંખ્યામાં જીવ બચાવવાની આપણી પાસે તક છે.”

કેબિનેટ અને ટોરી બેક બેંચને ચિંતા છે કે ભારતીય વેરિયન્ટનો જે રીતે ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે તે જોતાં સરકારને પ્રતિબંધ હળવો કરવામાં એક મહિનાથી વધુ સમય લાગશે.

કેબિનેટ ઑફિસ મિનિસ્ટર માઇકલ ગોવે સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે “કંઈક અભૂતપૂર્વ અને નોંધપાત્ર” બનશે તો જ જુલાઈ 19 તારીખને આગળ લંબાવવામાં આવશે. મહિનાનો લાંબો વિલંબ “ખેદજનક” છે. પરંતુ ખાતરી રાખવી પડશે કે જુલાઈ 19ના રોજ પ્રતિબંધો હટાવ્યા પછી “આપણે પાછા નહીં ફરીએ.”

વડા પ્રધાન જોન્સનના વૈજ્ઞાનિક સલાહકારોએ જણાવ્યું હતું કે ચાર અઠવાડિયા કરતા વધુ સમયનો વિલંબ કરવાથી થોડુંક વધુ પ્રાપ્ત થશે. આ વિલંબથી ઓગસ્ટમાં ટોચ પર પહોંચનાર કેસોની સંખ્યા અડધી થઇ જશે.  જ્યારે અન્ય અગ્રણી વૈજ્ઞાનિકો કહે છે કે જો વર્તમાન ગતિએ ચેપ બમણો થતો રહેશે તો પ્રતિબંધોને સરળ બનાવવું વધુ મુશ્કેલ રહેશે.

સાયન્ટીફીક એડવાઇઝરી ગૃપ ફોર ઇમરજન્સી (સેજ)ના સભ્ય અને લંડન સ્કૂલ ઑફ હાઇજિન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના પ્રોફેસર ગ્રેહામ મેડલીએ ચેતવણી આપી હતી કે આ વિલંબ કરાયા પછી પણ શક્ય છે કે દેશ એક દિવસમાં સેંકડો મૃત્યુ જોઈ શકે છે. પ્રતિબંધો હટાવવામાં આવે તો આપણે પહેલાના દૈનિક મૃત્યુના  સ્તરે પાછા ફરી શકીએ છીએ.

મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વૉલેન્સે જણાવ્યું હતું કે ‘’આગામી થોડા અઠવાડિયામાં “ડબલ પ્રોટેક્શન” આવશે. કારણ કે 40 કરતા તમામે રસીનો બીજો ડોઝ લઇ લીધો હશે અને યુવાન પુખ્ત વયના લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો હશે. શાળાઓમાં રજાઓ ન પડે ત્યાં સુધી પ્રતિબંધોને લંબાવવામાં આવશે તો દબાણ ઓછું થશે અને ટોચ પર જવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટશે.”

ઇંગ્લેન્ડના ચિફ મેડિકલ ઓફિસર ક્રિસ વિટ્ટીએ કહ્યું હતું કે, “ચાર સપ્તાહના વિલંબના અંતે કોઈ પણ વિચારતું નથી કે જોખમ ઘટી ગયું છે – હજી પણ હોસ્પિટલમાં નોંધપાત્ર સંખ્યા રહેશે. જોકે, આને પ્રતિબંધોના નુકસાન સામે સંતુલિત કરવાની જરૂર છે. વડાપ્રધાને રસીના પ્રથમ અને બીજા ડોઝને વેગ આપવા માટેના નવા લક્ષ્યોની શ્રેણીની જાહેરાત કરી છે. વળી 40 વર્ષના લોકોમાં રસીના ડોઝ વચ્ચેનો તફાવત 12 થી 8 અઠવાડિયા સુધી ઘટાડવામાં આવશે એટલે કે 40 થી વધુ ઉંમરના દરેકને 19 જુલાઈ સુધીમાં બીજી માત્રા અપાઇ ગઇ હશે. આ ઉપરાંત, બધા પુખ્ત વયના લોકોને પણ રસીનો એક ડોઝ મળી ગયો હશે.

1922 કમિટી ઓફ ટોરી બેકબેંચર્સના વાઇસ ચેરમેન સર ચાર્લ્સ વૉકરે જણાવ્યું હતું કે ‘’હવે શક્યતા છે કે બાકીના વર્ષ માટે “આપણે અમુક પ્રકારના લોકડાઉન સાથે જીવી શકીશું.”

સરકારે કરેલા વિલંબની હોસ્પિટાલીટી, વેડીંગ અને નાઇટ ટાઇમ એન્ટરટેઇનમેન્ટ બિઝનેસીસે ટીકા કરી હતી. આ વિલંબનો અર્થ એ છે કે 30 જેટલા લોકો ઘરની બહાર અને છ લોકો અથવા બે ઘરના લોકો કોઇના ઘરની અંદર મળી શકશે.

લોકડાઉન ઓગસ્ટ સુધી લંબાવવાની આશંકાને પગલે એન્ટી લોકડાઉન અને એન્ટી વેક્સિન ફોરમના લોકોએ માસ્ક પહેર્યા વિના જ સરકારના સૂચિત નિર્ણયનો વિરોધ કરવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રેલી કાઢી દેખાવો કર્યા હતા. આ દેખાવકારોએ માસ્ક પહેરવાનું અને ટેસ્ટિંગ કરવાનું બંધ કરવા માગણી કરી હતી અને મિડિયાને વાઇરસ ગણાવ્યું હતું.

21 જૂનથી શું બદલાઈ રહ્યું છે?

  • લગ્ન અને વેક્સ પર મહેમાનોની સંખ્યા હવે 30 લોકો સુધી મર્યાદિત રહેશે નહીં.
  • પરંતુ વેન્યુ ખાતે સામાજિક અંતરનું પાલન કરવું પડશે અને યજમાનોએ જોખમનું મૂલ્યાંકન કરવું પડશે.
  • ટેબલ સર્વિસની જરૂર પડશે – ટેબલ દીઠ છ લોકો જ બેસી શકશે. ઇનડોર ડાન્સ ફ્લોરની મંજૂરી નથી.
  • કેર હોમના રહેવાસીઓએ બહારની મુલાકાતેથી પરત થયા પછી 14 દિવસો માટે આઇસોલેટ થવું પડશે નહીં. પરંતુ ઉચ્ચ જોખમ ધરાવતી મુસાફરી જેવી કે રાતભર હોસ્પિટલમાં રોકાણના કેસો અપવાદ છે.
  • બાળકો 30 લોકોના જૂથમાં, જેમ કે સમર રેસિડેન્શીયલ સ્કૂલના ભાગ રૂપે રાતની સફર કરી શકે છે, ઉદાહરણ તરીકે, સ્કાઉટ અથવા ગાઇડ્સ માટે.
  • મોટા ઇવેન્ટ્સ પાઇલટ્સ ચાલુ રહેશે, જેમાં યુરો 2020 રમતો અને ઘણી બધી રમતો, આર્ટ્સ અને મ્યુઝિક ઇવેન્ટ્સ પણ તેમાં શામેલ છે
  • 00000

ઇંગ્લેન્ડના બાકી કોવિડ પ્રતિબંધો

  • સંખ્યાબંધ પ્રતિબંધો યથાવત રહેશે.
  • પબ્સ, ક્લબ્સ, થિયેટરો અને સિનેમાઘરોએ હજી પણ ક્ષમતામાં રહીને કામ કરવું પડશે.
  • મર્યાદિત સંખ્યામાં લોકોને રમતગમતના કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી.
  • નાઈટક્લબ બંધ રહેશે.