ડૉ. સુમિત ગોયેલ

બ્રેસ્ટ કેન્સર અને કાર્ડિફ બ્રેસ્ટ કેન્સર ચેરિટી (કાર્ડિફ)ની સેવાઓ માટે કાર્ડિફ અને વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડના કન્સલ્ટન્ટ ઓન્કોપ્લાસ્ટીક સર્જન ડૉ. સુમિત ગોયલને મેમ્બર્સ ઓફ ધ ઓર્ડર ઓફ બ્રિટીશ એમ્પાયર (MBE) એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

નવી દિલ્હીના પ્રતિષ્ઠિત ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં તાલીમ લઇ 1995માં યુકે આવેલા ડૉ. સુમિત વેલ્સમાં સ્પેશ્યાલીસ્ટ તાલીમ પૂર્ણ કર્યા પછી 2003માં સલાહકાર અને 2006માં બ્રેસ્ટ સર્વિસ માટેના લીડ બન્યા હતા. બ્રેસ્ટ સર્વિસની ગુણવત્તામાં સુધારો લાવવાની તેમની ઉત્કટતા અને ઉત્સાહથી તેમને બ્રેસ્ટ સેન્ટર માટે મંજૂરી મળી હતી. ઑક્ટોબર 2010માં આ કેન્દ્રની શરૂઆત થઇ હતી અને એક જ છત હેઠળ બ્રેસ્ટ સર્વિસ આપતા વન સ્ટોપ બ્રેસ્ટ ક્લિનિકની સ્થાપના કરાઇ હતી.

તેમણે દૂરંદેશી દાખવી 2010માં કાર્ડિફ બ્રેસ્ટ સેન્ટર ચેરીટીની સ્થાપના કરી હતી જેણે £750,000થી વધુ રકમ એકત્ર કરી હતી જેનો ઉપયોગ સ્તન કેન્સરના દર્દીઓની સંભાળ માટે કરવામાં આવ્યો હતો. રોગચાળા દરમિયાન, ચેરિટીના નાણાંનો ઉપયોગ સ્તન કેન્સરના દર્દીઓની સેવા-સુશ્રુષા માટે કરાયો હતો. ડૉ. સુમિતે જણાવ્યું હતું કે ‘’હું આ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ નમ્ર અને સન્માનિત થયો હોવાની લાગણી અનુભવું છું અને જુસ્સાદાર ટીમનો આભાર માનું છું.’’