વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં રવિવારે મેચના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમનો પ્રથમ દાવ 217 રનમાં સમેટાઈ ગયો છે. રવિવારે મેચના ત્રીજા દિવસે કાયલે જેમિસને તરખાટ મચાવતા પાંચ વિકેટ ઝડપી હતી. ભારત માટે સૌથી વધુ રન અજિંક્ય રહાણેએ 49 રન નોંધાવીને આઉટ થયો હતો.
ભારતે ત્રણ વિકેટે 146 રનના સ્કોરથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. જોકે, રમત આગળ વધે તે પહેલા જ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. સુકાની વિરાટ કોહલી બીજા દિવસના સ્કોરમાં એક પણ રન ઉમેર્યા વગર આઉટ થઈ ગયો હતો. કોહલીએ 132 બોલમાં એક ચોગ્ગા સાથે 44 રન નોંધાવ્યા હતા.
કેપ્ટન કોહલીએ ઉપસુકાની અજિંક્ય રહાણે સાથે મળીને 61 રનની ભાગીદારી નોંધાવી હતી. કોહલી આઉટ થયા બાદ બેટિંગમાં આવેલો વિકેટકીપર બેટ્સમેન રિશભ પંત પણ વધારે સમય પીચ પર ટકી શક્યો ન હતો. પંત 22 બોલમાં ચાર રન નોંધાવીને પેવેલિયન ભેગો થઈ ગયો હતો. ઉપરા-ઉપરી બે ઝટકાના કારણે ન્યૂઝીલેન્ડે પ્રભુત્વ મેળવી લીધું હતું. જ્યારે રહાણે 117 બોલમાં પાંચ ચોગ્ગાની મદદથી 49 રન નોંધાવીને આઉટ થયો હતો.
રવીન્દ્ર જાડેજા અને રવિચંદ્રન અશ્વિને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ જોડી જોખમી બને તે પહેલા ટિમ સાઉધીએ અશ્વિનને આઉટ કર્યો હતો. તેણે 27 બોલમાં 22 રન નોંધાવ્યા હતા. જ્યારે જાડેજા 15 રન નોંધાવીને આઉટ થતાં ભારતના પ્રથમ દાવનો અંત આવ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે કાયલે જેમિસને 22 ઓવરમાં 31 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. જ્યારે ટ્રેન્ટ બોલ્ટ અને નિલ વેગનરે બે-બે તથા ટિમ સાઉધીએ એક વિકેટ ઝડપી હતી.