ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલા રાજ્ય સરકારે વેક્સિનેશનને વધુ વ્યાપક બનાવવા માટે 21મી જૂન (વિશ્વ યોગ દિવસ) સોમવારથી રાજ્યવ્યાપી વેક્સિનેશન અભિપાયનનો પ્રારંભ કર્યો હતો.
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગરમાં રસીકરણ કેન્દ્ર પરથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન પ્રમાણે 18થી 44 વર્ષની વય વચ્ચેના લોકો હવે કોવિન એપ્લિકેશન કે વેબસાઇટ પર નોંધણી કરાવ્યા વગર સીધા જ રસીકરણ કેન્દ્ર પર જઈને વેક્સીન લઈ શકે છે.
રૂપાણીએ આ અંગે જાહેરાત કરી છે કે, લોકો વેક્સિનેશન માટે સજાગ થાય અને દરેક વ્યક્તિ વેક્સિન લે. વેક્સિનેશન માટે પ્રત્યેક વ્યક્તિ પોતાની જવાબદારી સમજે એવા ઉદ્દેશ સાથે આ વેક્સિનેશન મહાઅભિયાનનું આયોજન કરાયું છે. ગુજરાતના તમામ 33 જિલ્લા અને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગર જેવા 8 મહાનગરપાલિકા વિસ્તારના 1,025 રસીકરણ કેન્દ્રો પર તમામ પ્રધાનો, નેતાઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૧મીના સોમવારના સવારે ૯ વાગ્યાથી વેક્સિન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરરોજ એક લાખ લોકોને કોરોના રસી આપવાનો લક્ષ્યાંક સિધ્ધ કરવાની પૂરેપૂરી તૈયારીઓ કરવામાં આવી હતી. સોમવારથી શહેરમાં તમામ અર્બન હેલ્થ સેન્ટરો, કોમ્યુનિટિ હેલ્થ સેન્ટર, મ્યુનિ. શાળાઓ તથા કોમ્યુનિટિ હોલ મળી 400 જેટલાં સેન્ટર ખોલવામાં આવ્યા હતા. શહેરનાં જુદા જુદા વિસ્તારમાં વિવિધ પ્રકારનાં ધંધા-વ્યવસાય સાથે સંકળાયેલાં દુકાનદાર, ફેરિયા, ડિલીવરીબોય વગેરેને સુપર સ્પ્રેડર્સની વ્યાખ્યામાં આવરી લેવાયા છે, તેમનાં રસીકરણ માટે 6 ઝોનમાં 14 હોલમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે.