કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલના ફ્લાય ઓવરબ્રિજનું સોમવારે લોકાર્પણ કર્યું હતું. રૂ.28 કરોડના ખર્ચે તૈયાર થયેલા દોઢ કિલોમીટર લાંબા આ ફ્લાયઓવર બ્રિજથી ટ્રાફિકની સમસ્યા દૂર થઈ જશે. ખોડિયાર કન્ટેનર ડેપો પાસેના ઓવરબ્રિજનું તેમજ કલોલ રેલવે ઓવરબ્રિજનું પણ અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ દરમિયાન અમિત શાહની સાથે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.

સરખેજ ગાંધીનગર હાઈવે પર રૂ.867 કરોડના ખર્ચે કુલ 6 ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી મળી હતી. નવેમ્બર 2020માં 6 પૈકી 2 ફલાયઓવર લોકોના ઉપયોગ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. હવે વૈષ્ણોદેવી સર્કલ પર ગાંધીનગર અને અમદાવાદને જોડતો દોઢ કિલોમીટર ઓવરબ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો છે.

જુલાઇ-ઓગસ્ટમાં વેક્સિનેશનની ઝડપ વધશે

અમિત શાહે અમદાવાદના બોડકદેવ રસીકરણ કેન્દ્ર પર હાજર રહીને રસીકરણના મહાઅભિયાન કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જુલાઇ-ઓગસ્ટમાં કોરોના રસીકરણ અભિયાન વધુ ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો છે. યુવાનોને મફતમાં વેક્સિન આપવામાં આવશે. મને આશા છે કે, કોરોનાનું સંક્રમણ હવે ઘટશે. મોદીજીના નિર્ણયના કારણે આખા વિશ્વમાં વેક્સિનેશનમાં આપણે આગળ છીએ. જે લોકોએ પહેલો ડોઝ લીધો છે તેઓ સમયસર બીજો ડોઝ લઇ લે. કારણ કે બે ડોઝ લીધા પછી જ વેક્સિનની અસર સારી થશે.
અમિત શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ કોરોના સામેની મહત્ત્વની લડાઈ ચાલુ થઈ છે. આંતરરાષ્ટ્રીય યોગ દિને દેશમાં તમામ માટે ફ્રી વેક્સીનનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.