ઇ બે પર વેચાણ માટે મૂકેલી કાર ખરીદવામાં રસ ધરાવતા ગ્રાહકોને લૂંટી લેનારા પિતા પુત્ર સહિત ત્રણ જણાને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ભોગ બનેલ એક મહિલાને £ 11,000ની લૂંટ કરતા પહેલા કહેવાયું હતું કે તેના ટૂકડા કરી દેવાશે.
ઓલ્ડહામના પિતા-પુત્ર, 47 વર્ષીય મોહમ્મદ ફરીદ અને 25 વર્ષીય ફૈઝલ ફરીદને લૂંટના કાવતરાના કેસમાં અનુક્રમે 20 અને 12 વર્ષની જેલની સજા કરવામાં આવી હતી. જ્યારે ઓલ્ડહામના 20 વર્ષીય એડમ માર્કોએ એ જ ગુનો સ્વીકારી લીધા બાદ છ વર્ષની જેલની સજા કરવામાં આવી હતી.
માન્ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં કરાયેલી સુનાવણીમાં જણાવાયું હતું કે 28 સપ્ટેમ્બર 2019 અને 15 ફેબ્રુઆરી 2020ની વચ્ચે, ત્રણેય જણાએ ઓછામાં ઓછા 18 લોકોને નિશાન બનાવ્યા હતા. ભોગ બનનારા લોકોમાં વેલ્સ, સ્કોટલેન્ડ અને છેક લંડનથી આવેલા લોકો હતા.
આ ગેંગના સભ્યો પોતાને “એડમ”, “જ્હોન” અથવા “જિમ” તરીકે ઓળખાવતા હતા અને “આરટીએ નુકસાનને કારણે ઘટાડેલા ભાવે” અથવા કુટુંબમાં માંદગી, છૂટાછેડા અથવા દેવાના કારણે સસ્તા ભાવે કાર વેચવી છે તેવું બહાનું બતાવીને કાર ખરીદવા માંગતા લોકોને આકર્ષતા હતા. પરંતુ રોકડ રકમ સાથે કાર ખરીદવા જે તે સ્થળે જનાર લોકોને ધારદાર શસ્ત્રો અને હથોડાથી સજ્જ બુકાની બાંધેલી ગેંગના સભ્યોનો સામનો કરવો પડતો હતો. કેટલાક કિસ્સામાં તો ગેંગે ગ્રાહકોના માથા પર હેન્ડગન ધરી દીધી હોવાના અને એક કેસમાં તો સિટ્રોન બર્લિંગો વેનની અંદરથી બુલેટ મળી આવી હતી, જેનો ગુનેગારો ઉપયોગ કરી રહ્યા હતા.
ફરીદની આગેવાની હેઠળ ત્રણેય જણાની ગેંગ મહિલાઓને લક્ષ્યાંક બનાવી ઓલ્ડહામ અને માન્ચેસ્ટર સિટી સેન્ટરની આસપાસના એકાંત સ્થળોએ મળવા બોલાવતા અને લુંટી લેતા હતા. પકડાઇ ન જવાય તે માટે તેઓ હંમેશા નવા ઇમેઇલ એડ્રેસ, ફોન નંબર્સ અને મોબાઇલ ફોન વાપરતા અને તેને સતત બદલતા રહેતા હતા. પણ આખરે સશસ્ત્ર પોલીસ અધિકારીઓએ તેમને 14 ફેબ્રુઆરી 2020ના રોજ પકડ્યા હતા.
ડીટેક્ટીવ ચિફ ઈન્સ્પેક્ટર જો હેરોપે કહ્યું હતું કે “હું લોકોને સલાહ આપીશ કે મોટા પ્રમાણમાં રોકડ રકમ સાથે લઇને આવી ખરીદી કરવા જવું નહિં અને મીટીંગ સલામત સ્થળે અને પૂરતી લાઇટ હોય તેવા સ્થળે જ રાખવી.”