REUTERS/Sumaya Hisham

દક્ષિણ આફ્રિકામાં ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જેકબ ઝુમાને જેલમાં મોકલવામાં આવ્યા પછી છેલ્લા પાંચ દિવસથી ફાટી નીકળલી ભારે હિંસા, લૂંટફાટ અને આગજની ઘટનામાં ઓછામાં ઓછા 72 લોકોના મોત થયા છે. હાલમાં સ્થિતિ એટલી વણસી ગઈ છે કે સૈનિકો તૈનાત હોવા છતાં અથડામણ અને આગજનીની ઘટનાઓ ચાલુ છે. મંગળવારે ઝુમા સમર્થકોએ અનેક શૉપિંગ મોલમાં આગ ચાંપી હતી. છેલ્લાં પાંચ દિવસોથી ચાલી રહેલી આ હિંસમામાં અત્યાર સુધી 72 લોકોએ જીવ ગમાવ્યા છે અને સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામફોસાએ બુધવારે જણાવ્યું હતું કે આર્મી અને પોલીસ હિંસા અને લૂંટફાટ પર અંકુશ મેળવવામાં મુશ્કેલી અનુભવી રહી હોવાથી રસ્તા પર વધુ લશ્કરી દળો ગોઠવામાં આવી શકે છે.

દક્ષિણ આફ્રિકામાં છેલ્લાં કેટલાંક દશકાઓની સૌથી ભીષણ હિંસા છે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે, વિરોધી દેખાવો શરુ થયા પછીથી અત્યાર સુધી 72 લોકો માર્યા ગયા છે. મોટાભાગના લોકો દુકાનો લૂટંતી વખતે થયેલી ભાગદોડમાં માર્યા ગયા છે. સૌથી વધારે હિંસા ગાઉતેંગ અને ક્વાઝુલુ નટાલ વિસ્તારોમાં થઈ રહી છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસ અને આર્મી અશાંતિ રોકવાના પ્રયાસ કરી રહી છે.

અધિકારીઓએ જણાવ્યું કે, ગાઉતેંગ અને ક્વાઝુલુ નટાલ વિસ્તારોમાં ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા, અહીં લોકોએ દુકાનોમાંથી ખાણીપીણીની વસ્તુઓ, ઈલેક્ટ્રિક સાધનો, દારુ અને કપડાની ચોરી પણ કરી. ઉલ્લેખનીય છે કે કોર્ટની અવમાનનાના કેસમાં ઝુમાને ગુરુવારના રોજ 15 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી, ત્યારપછી હિંસા ભડકી ઉઠી હતી. ગાઉતેંગ વિસ્તારના પ્રીમિયર ડેવિડ મખુરાએ જણાવ્યું કે, અસામાજિક તત્વોએ સ્થિતિનો લાભ ઉઠાવ્યો. 400થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ સ્થિતિ હજી નિયંત્રણમાં નથી આવી. હિંસાની ચપેટમાં જોહાનિસબર્ગ અને ડર્બન જેવા શહેર પણ આવી ગયા છે