ફેબ્રુઆરી 1993 અને ઑગસ્ટ 1996 દરમિયાન ઓલ્ડહામમાં આવેલી મસ્જિદમાં શિક્ષણ આપતી વખતે ત્રણ બાળકો સાથે અનેક વખત જાતીય દુર્વ્યવહાર કરી તેમના જીવનને ‘બરબાદ’ કરનાર 66 વર્ષના ઓલ્ડહામના ન્યુ અર્થ સ્ટ્રીટ ખાતે રહેતા હાફિઝ ફઝલને તેના ગુનાઓ માટે દોષિત ઠેરવી માન્ચેસ્ટર મિન્શુલ સ્ટ્રીટ ક્રાઉન કોર્ટે 23 વર્ષ માટે જેલ ભેગો કરી દીધો હતો. ભોગ બનેલા એકે તો હાફિઝને ‘દુષ્ટ પ્રાણી’ તરીકે વર્ણવ્યો હતો.
રોગચાળા દરમિયાન સેલફોર્ડના લૌરી ખાતે આવેલી નાઇટિંગેલ કોર્ટમાં 17 આરોપો બદલ સુનાવણી ચાલી હતી. જેમાંના 14 ગુનાઓ બદલ હાફિઝને આ અઠવાડિયે જ્યુરીએ દોષીત ઠેરવ્યો હતો. હાફિઝે જાતીય શોષણ કર્યું હતું તે વખતે બે ફરિયાદીની વય શોષણ સમયે માત્ર સાત વર્ષની હતી.
પ્રથમ ફરિયાદી એવા બાળકનું જાતીય શોષણ અને હુમલો કરવાના છ આરોપોનો તેણે સામનો કરવો પડ્યો હતો. જેમાં એક વખત તેણે બાળકની છાતી દબાવી હતી. જે તમામ આરોપો બદલ તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.
બીજા ફરિયાદી પર નવેમ્બર 1994થી સપ્ટેમ્બર 1995 દરમિયાન બળાત્કાર કરવાના દસ આરોપોનો તેને સામનો કરવો પડ્યો હતો જેમાંથી સાતમાં તેને દોષીત સાબિત કરવામાં આવ્યો હતો.
ત્રીજી ફરિયાદી બાળાના સ્તન દબાવવા સહિત શરીરના અન્ય ભાગોએ અડપલા કરવાના અને અશિષ્ટ હુમલો કરવાના આરોપસર તેને દોષીત સાબિત કરાયો હતો. લગભગ બે દિવસના વિચાર-વિમર્શ અને પુરાવા જોયા બાદ જ્યુરીએ તેને દોષીત જાહેર કરતો ચુકાદો આપ્યો હતો. પરંતુ ફઝલે તેની સામેના તમામ આરોપોને નકારી દીધા હતા.
પોલીસે ફરિયાદ મળ્યા બાદ જ્યારે ફજલની પહેલી વખત પૂછપરછ કરી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે તે કિશોરને ઑફિસમાં લઈ ગયો હતો, તેનું ટ્રાઉઝરને નીચે ખેંચ્યું હતુ અને સંબંધ બાધવા અડપલાં કર્યા હતા. તે વખતે તેણે પોલીસને કહ્યું હતું કે શેતાન તેની અંદર આવ્યો હતો.
પ્રથમ ફરિયાદીએ રેડિયો પર બાળ જાતીય શોષણની તપાસ વિશે સાંભળ્યા બાદ 2017માં તેની મુલાકાત લેવાનું નક્કી કર્યું.
પ્રોસિક્યુટર ક્રિસ્ટોફર તેહરાની ક્યુસીએ આ અઠવાડિયે કોર્ટમાં પીડિતો દ્વારા લખવામાં આવેલા ત્રણ પિડીતોના નિવેદન વાંચ્યા હતા. જેમાં ભોગ બનેલ પ્રથમ ફરિયાદીએ કહ્યું હતું કે “મારી નિર્દોષતા અને મારા નચિંત બાળપણની સ્વતંત્રતા મારી પાસેથી ચોરી લેવામાં આવી હતી. મને કોવિડ થયો હતો અને હોસ્પિટલમાં મરણપથારીએ હતો ત્યારે મને થયું હતું કે તેને નરાધમ કાર્યો માટે છોડવો જોઇએ નહિં. મારા પોતાના સંબંધો બાંધવા સંઘર્ષ કરવો પડ્યો હતો, પીટીએસડી સહન કરી હતી અને પોતાનો જીવ લેવા માટે બે વાર પ્રયત્ન કર્યો હતો.
બીજા ફરિયાદીએ કહ્યું હતું કે “મને પીડા અને વેદનાની આજીવન સજા આપવામાં આવી હતી. તે સંપૂર્ણ રીતે ઘૃણાસ્પદ માણસ છે જેણે મારૂં જીવન બરબાદ કરી દીધું છે, તે સમાજ માટે જોખમ છે.”
ફઝલના ડિફેન્સ લોયર નિક ફ્લેન્ગને કહ્યું હતું કે ‘’તેમના ક્લાયન્ટની તબિયત ખરાબ છે અને જેલની સજા ભોગવતાં જ તેનું મૃત્યુ થવાની સંભાવના છે. તેણે 1996ના ઑગસ્ટ પછી આ પ્રકારનો કોઈ અપરાધ થયો છે.”
સજા સંભળાવતા જજ માર્ક ફોર્ડ ક્યુસીએ કહ્યું હતું કે “પોલીસ સાથે વાત કરવામાં અને કોર્ટ સમક્ષ પુરાવા આપનાર ત્રણેય ફરિયાદીની બહાદુરીની પ્રશંસા કરવી જોઈએ. આ પ્રકારની યાદોને જાહેર કરવી તે સરળ નથી. હકીકત એ છે કે ફઝલે દોષિત નહીં હોવાનું જણાવી સુનાવણીમાં ગયો તે જ બતાવે છે કે તેને કોઈ પસ્તાવો નથી.’’
ફઝલને આજીવન સેક્સ ઓફેન્ડરના રજિસ્ટર પર પણ મૂક્યો હતો અને તેના પર બાળકો સાથે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. સજા સાંભળ્યા બાદ ફઝલ પોતાનો ચહેરો નીચે ઝુકાવીને બેસી ગયો હતો.