પ્રતિક તસવીર (Photo by Christopher Furlong/Getty Images)

“બ્રિટિશ મૂલ્યો”ને નબળા પાડતા એક બનાવમાં યોર્કશાયરના ડ્યુશબરીની ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલ ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇસ્લામિક એજ્યુકેશન’ના પુસ્તકાલયમાંથી “અયોગ્ય માહિતી” ધરાવતું સજાતીય સંબંધો વિષેનું પુસ્તક ‘ઇસ્લામ ઇન હોમોસેક્સ્યુઆલિટી’ મળી આવતા વિવાદ ઉભો થયો છે.

ઑફસ્ટેડે જણાવ્યું હતું કે, ‘’આ પુસ્તર પર શાળાના પુસ્તકાલયનો સત્તાવાર સ્ટેમ્પ પણ લાગેલો હતો અને તેમાં સમલૈંગિકતા માટે “સજા” કરવાની હિમાયત કરાઇ છે. એક ફકરામાં “દુષ્ટોને મોતને ઘાટ ઉતારવા” કહેવામાં આવ્યું છે.

ડ્યુસબ્યુરી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇસ્લામિક એજ્યુકેશનના હેડ ટીચરે ઇન્સપેક્ટર્સને કહ્યું હતું કે આ પુસ્તક પુસ્તકાલયમાં ન હોવું જોઈએ. પરંતુ સંસ્થાના અન્ય નેતાઓએ પુસ્તકનો બચાવ કરતાં કહ્યું કે તે પુસ્તક “સંશોધન”નો હેતુ પૂરો કરે છે.

મેઇલ ઑનલાઈનના અહેવાલ અનુસાર ઑફસ્ટેડે રિપોર્ટમાં શબ્દોનો પણ ઉલ્લેખ કર્યો હતો જેમાં જણાવાયું હતું કે “સમલૈંગિક કૃત્યના ભાગ લેનારાઓને (સિક) સજા થવી જોઈએ, પછી ભલે તેઓ પરિણીત હોય કે અપરિણીત.” ઓફસ્ટેડે જણાવ્યું હતું કે 11 થી 25 વર્ષની વયના 234 છોકરાઓની આ સંસ્થા, “બોર્ડિંગ સ્કૂલો માટેના રાષ્ટ્રીય લઘુત્તમ ધોરણો”ને પૂર્ણ કરતી નથી. આ શાળાએ વર્ષ 2016માં વિદ્યાર્થીઓને ટીવી નહિં જોવાની અથવા અખબારો નહિં વાંચવાની અને સંગીત સાંભળવાની મનાઈ કરી હતી.‘’

તાજેતરના વિવાદ અંગે શાળાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.