વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ કર્યા બાદ ભારત સરકાર બ્રિટશની કંપની કેઇર્ન એનર્જીને ૧ બિલિયન ડોલર રિફંડ કરે તેવી શક્યતા છે, એમ એક મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, વિદેશી કંપનીઓ સાથે કરવેરા સંબંધિત લડાઇના કડકા અનુભવ બાદ તાજેતરમાં કેન્દ્ર સરકારે આ વિવાદિત રેટ્રો ટેક્સ નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે.
રેટ્રોસ્પેક્ટિવ ટેક્સને નાબૂદ કરવા માટે સંસદના નીચલા ગૃહમાંથી મંજૂરી મળી ચૂકી છે અને તે માટે કેન્દ્ર સરકાર ઇન્કમટેક્સ એક્ટમાં ફેરફાર કરશે. હવે સંસદના ઉપલા ગૃહમાંથી પણ આગામી સપ્તાહે મંજૂરી મળવાની અપેક્ષા છે. આ વિવાદિત પૂર્વવર્તી ટેક્સ વર્ષ ૨૦૧૨માં તત્કાલિક નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ લાદયો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ નાબૂદ થવાથી ભારત સરકાર હવે બ્રિટિશ ટેલિકોમ ગ્રૂપ વોડાફોન પીએલસી, ફાર્માસ્યુટિકલ કંપની સનોફી અને SABMilની કંપની જે હાલ AB InBevની માલિકીની છે, જેવી મલ્ટિનેશનલ કંપનીઓની વિરુદ્ધ ૧૩.૫ બિલિયન ડોલરના બાકી ટેક્સના દાવો પડતા મૂકી શકે છે. જે રેટ્રોસ્પેક્ટિવ ટેક્સના લીધે વૈશ્વિક સ્તરે એક ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશનના રૂપમાં ખરડાયેલી શાખને સુધરવાનો ભારત સરકારના પ્રયત્નોનો એક ભાગ છે.
સરકારે જણાવ્યુ છે કે, રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો રદ કરાતા ટેક્સ ડિમાન્ડના કેસોમાં ચૂકવણી કરવામાં આવેલી રકમને કોઇ પણ પ્રકારના વ્યાજ વગર રિફંડ કરવાની ઓફર કરાશે, પરંતુ તે માટે કેટલીક શરતો હશે. સંબંધિત પક્ષોએ પેન્ડિંગ કેસો પરત ખેંચવા પડશે અને એવુ સોગંદનામું આપવુ પડશે કે તેઓ કોઇ પણ પ્રકારની ક્ષતિપૂત કે વ્યાજનો દાવો કરશે નહી.