
યુકેના વડાપ્રધાન કીર સ્ટાર્મરે બુધવાર, 8 ઓક્ટોબરે મુંબઈના અંધેરી ઉપનગરમાં યશ રાજ ફિલ્મ્સ (YRF) સ્ટુડિયોની મુલાકાત લીધી હતી. આ સ્ટુડિયો બોલીવુડનું મુખ્ય પ્રોડક્શન હબ છે.આ મુલાકાતનો હેતુ સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવાનો અને બ્રિટિશ અને ભારતીય ફિલ્મ ઉદ્યોગો વચ્ચે સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
વડાપ્રદાન સ્ટાર્મરનું બોલીવુડ સ્ટાર રાની મુખર્જીએ યશ રાજ ફિલ્મ્સ સ્ટુડિયોમાં સ્વાતગ કર્યું હતું. સ્ટાર્મરે રાની મુખર્જી સાથે સ્ટુડિયોમાં ફિલ્મ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. રાની મુખર્જી યશ રાજ ફિલ્મ્સના વડા અને નિર્માતા આદિત્ય ચોપરાની પત્ની પણ છે. યશ રાજ ફિલ્મ્સના સીઈઓ અક્ષય વિધિ પણ સ્ક્રીનિંગમાં હાજર હતાં.
તેમની મુલાકાતને સર્જનાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવા તરફના એક પગલા તરીકે જોવામાં આવે છે, જેમાં સંભવિત સંયુક્ત ફિલ્મ પ્રોજેક્ટ્સ અને સાંસ્કૃતિક વિનિમય કાર્યક્રમોનો સમાવેશ થાય છે.યુકેના વડા પ્રધાનની મુલાકાત પહેલા સ્ટુડિયોની આસપાસના મુખ્ય સ્થળોએ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.
સ્ટાર્મરની મુલાકાત ભારત-યુકે રાજદ્વારી અને સાંસ્કૃતિક સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેમાં ફિલ્મ, રમતગમત અને વાણિજ્યને એક જ વ્યૂહાત્મક એજન્ડા હેઠળ જોડવામાં આવશે.
સ્ટાર્મર દક્ષિણ મુંબઈના કૂપરેજ ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ઇંગ્લિશ પ્રીમિયર લીગ દ્વારા આયોજિત ફૂટબોલ શોકેસ કાર્યક્રમમાં પણ ભાગ લેવાના છે.
આ કાર્યક્રમનો હેતુ રમતગમત રાજદ્વારીને પ્રોત્સાહન આપવા અને ફૂટબોલના ક્ષેત્રમાં યુકે અને ભારત વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો છે. સ્થાનિક ફૂટબોલ ઉત્સાહીઓ અને યુવા ખેલાડીઓ સાથે ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી માઈકલ ઓવેન પણ આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
