લોકોને બચાવવા અફઘાનિસ્તાન પહોંચેલા યુક્રેનનું વિમાન હાઇજેક કરવામાં આવ્યું છે અને તેને ઇરાન તરફ લઈ જવામાં આવ્યું છે, એમ યુક્રેનના પ્રધાનને ટાંકીને એક મીડિયા અહેવાલમાં જણાવાયું હતું. પ્રધાનના જણાવ્યા અનુસાર, આ વિમાન રવિવારે હાઇજેક કરવામાં આવ્યું હતું, જેને કેટલાક અજાણ્યા લોકોએ કબજે કરી લીધું હતું.
યુક્રેન સરકારમાં નાયબ વિદેશ પ્રધાન યેવજેની યેનીને ટાંકીને રશિયાની ન્યૂઝ એજન્સી TASS જણાવ્યું હતું કે અમારા વિમાનને રવિવારે અજાણ્યા લોકોએ હાઇજેક કર્યું છે. મંગળવારે આ વિમાનને ઈરાન લઈ જવામાં આવ્યું છે, જેમાં અજાણ્યા લોકો છે. એટલું જ નહીં, અમારા ત્રણ અન્ય સ્થળાંતર યોજનાઓ પણ સફળ થઈ નહીં કારણ કે અમારા લોકો એરપોર્ટ સુધી પહોંચી શક્યા ન હતા.
અહેવાલો અનુસાર આ વિમાનને હાઇજેક કરનારા તમામ શસ્ત્રોથી સજ્જ હતા. માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 83 લોકોને કાબુલથી કિવ લાવવામાં આવ્યા છે. તેમાં 31 યુક્રેનિયન નાગરિકોનો સમાવેશ થાય છે. અફઘાનિસ્તાનમાં હજુ 100થી વધુ યુક્રેનિયન નાગરિકો છે, તેમને બહાર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા બાદથી કાબુલ એરપોર્ટ પરથી લોકોને બચાવવામાં આવી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, યુક્રેન, ભારત સહિત વિશ્વના ઘણા દેશો તેમના નાગરિકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. નાટો દેશો સાથે, યુએસએ કાબુલ એરપોર્ટને નિયંત્રિત કર્યું છે.