ગુજરાતના દારુબંધીના કાયદાને છ દાયકામાં પ્રથમવાર હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સોમવારે ગુજરાત હાઇ કોર્ટે પણ સરકારના પ્રાથમિક વાંધાને ફગાવીને કેટલીક જોગવાઇની સુનાવણીનો કરવાનો નિર્ણય કર્યો છે. દારુબંધીની નીતિનો વિરોધ કરતાં પિટીશરે દલીલ કરી હતી કે દારુબંધીનો કાયદો ખાનગી જગ્યામાં શરાબસેવનના વ્યક્તિના અધિકારને છીનવી શકે નહીં, કારણ કે તેમાં ગુપ્તતાના અધિકારનો ભંગ થાય છે. સરકારની દારુબંધીની નીતિ ભેદભાવપૂર્ણ છે, કારણ કે અમુકને પરમીટ મળે છે.

આ મામલે સરકારી વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે જે મુદ્દા આ પિટિશનમાં ઉઠાવાયા છે તેના પર ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટ ચુકાદા આપી ચૂકી છે. સુપ્રીમે એકવાર જે મામલા પર ચુકાદો આપી દીધો હોય તો પછી ગુજરાત હાઈકોર્ટે તેમાં કંઈ કરવાનું રહેતું નથી.

જોકે, હાઇ કોર્ટે સરકારની આ દલીલને રદ કરતાં જણાવ્યું હતું કે કોર્ટને આ મામલે સુનાવણી કરવાનો હક્ક છે, અને આ કાયદો બંધારણને અનુરુપ છે કે નહીં કે અને તેનાથી પ્રાઈવસીના અધિકારનો ભંગ થાય છે કે નહીં તે ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે અને સુપ્રીમ કોર્ટમાં તેના માટે જવાની જરુર નથી.

આ મામલે હવે કોર્ટ ઓક્ટોબર મહિનામાં વધુ સુનાવણી હાથ ધરશે. બીજી તરફ, ગુજરાત હાઈકોર્ટ આ મામલે સુનાવણી કરી શકે કે કેમ તે અંગે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં જાય તેવી પણ શક્યતા છે