અમેરિકામાં વસતા ભારતીય સમુદાયના લોકો કોલેજ શિક્ષણ અને સંપત્તિની બાબતમાં અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણા આગળ નીકળી ગયા છે. ભારતીય સમુદાય બીજા તમામ વંશિય સમુદાય કરતાં વધુ ધનિક અને વધુ શિક્ષિત છે.
અમેરિકાની વસતી ગણતરીના તાજેતરના ડેટા અનુસાર “મોડલ માઇનોરિટી” તરીકે ઓળખાતા ભારતીયોની સરેરાશ ઘરેલુ આવક ૧,૨૩,૭૦૦ ડોલર થઇ ગઇ છે, જે અમેરિકાની કુલ સરેરાશ વાર્ષિક આવક ૬૩,૯૨૨ ડોલર કરતાં લગભગ બમણી છે.
વસ્તી ગણતરીના આંકડા દર્શાવે છે કે અમેરિકામાં વસતા ભારતીયો પૈકી ૭૯ ટકા કાલેજના ગ્રેજ્યુએટ છે. જ્યારે અમેરિકાની કુલ વસ્તીમાં આ સંખ્યા ૩૪ ટકા છે. જેના પરથી પુરવાર થાય છે કે અમેરિકામાં વસતા ભારતીયોએ શિક્ષણ પર વધુ ધ્યાન આપવાનું શરુ કરી દીધું છે.
અમેરિકામાં વસતા ભારતીયોના આ શાનદાર દેખાવને પગલે એશિયાના અન્ય લોકો પાછળ રહી ગયા છે. સરેરાશ ઘરેલુ આવકના સંદર્ભમાં ભારત પછી તાઇવાન અને ફિલિપાઇન્સના લોકોનો નંબર આવે છે.
અમેરિકામાં વસતા તાઇવાનના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક ૯૭,૦૦૦ ડોલર છે જ્યારે ફિલિપાઇન્સના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક ૯૫,૦૦૦ ડોલર છે. અમેરિકામાં વસતા ચીનના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક ૮૫,૨૨૯ ડોલર છે જ્યારે જાપાનના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક ૮૪,૦૬૮ ડોલર છે.
અમેરિકામાં હાલમાં ૪૦ લાખ ભારતીયો વસવાટ કરે છે. જેમાં ૧૬ લાખ વિઝા હોલ્ડર છે. ૧૪ લાખ નેચરલાઇઝ્ડ રેસિડન્ડ છે અને ૧૦ લાખ અમેરિકામાં જન્મેલા રહેવાસી છે.
અમેરિકામાં વસતા ભારતીયો પૈકી ૧૪ ટકાની જ આવક ૪૦,૦૦૦ ડોલરથી ઓછી છે. અમેરિકામાં વસતા ભારતીયો પૈકી ૨૫ ટકાની આવક બે લાખ ડોલરથી વધારે છે. જ્યરે અમેરિકાની કુલ વસ્તીમાં બે લાખથી ડોલરથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા ૮ ટકા છે.
ન્યૂયોર્ક ટાઇમ્સના એનાલિસિસ મુજબ ભારતીય મૂળના લોકો કેટલાંક ઊંચા વેતન આપતા ક્ષેત્રોની નોકરીમાં મોટો હિસ્સો ધરાવે છે. કમ્પ્યૂટર સાયન્સ, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને મેડિસિન જેવા ક્ષેત્રમાં ભારતીય મૂળના લોકોનો દબદબો છે. અમેરિકાના નવ ટકા ડોક્ટર્સ ભારતીય મૂળના છે.