પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાની સરકારીની સિક્યોરિટીઝમાં ભારતનું રોકાણ જૂન 2021 ક્વાર્ટરમાં આશરે 20 બિલિયન ડોલર ઉછળીને 220.2 બિલિયન ડોલર થયું છે. ગયા વર્ષના જૂનની સરખામણીમાં યુએસ ટ્રેઝરી સિક્યોરિટીઝમાં ભારતના રોકાણમાં આશરે 40 બિલિયન ડોલરનો ઉછાળો આવ્યો છે. ગયા વર્ષના જૂનમાં કોરોના મહામારીને કારણે આર્થિક પ્રવૃત્તિ ખોરવાઈ ગઈ હતી.

યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના તાજેતરના ડેટા અનુસાર આ વર્ષના જૂનના અંતે 220.2 બિલિયન ડોલરના હોલ્ડિંગ સાથે ભારત વિશ્વમાં અમેરિકાની આ સિક્યોરિટીઝનો 11માં ક્રમનો સૌથી મોટો હોલ્ડર દેશ છે. અમેરિકા સરકારના બોન્ડમાં જાપાનનું રોકાણ સૌથી વધુ આશરે 1.277 ટ્રિલિયન ડોલર હતું. સૌથી વધુ યુએસ ટ્રેઝરી સિક્યોરિટીઝ ધરાવતા દેશોમાં ચીન 1.061 ટ્રિલિયન ડોલર સાથે બીજા ક્રમે છે. આશરે 452.9 બિલિયન ડોલરના રોકાણ સાથે બ્રિટન ત્રીજા ક્રમે છે. આ પછી આયર્લેન્ડ (322.9 બિલિયન ડોલર), લક્ઝમબર્ગ (301.8 બિલિયન ડોલર), સ્વિત્ઝર્લેન્ડ (270.1 બિલિયન ડોલર) બ્રાઝિલ (249 બિલિયન ડોલર)નો ક્રમ આવે છે.

ભારત માર્ચ પછીથી તેના રોકાણમાં સતત વધારો કરી રહ્યું છે. માર્ચમાં ભારતનું રોકાણ આશરે 200 બિલિયન ડોલર હતું. એપ્રિલમાં તે વધીને 208.ય7 બિલિયન ડોલર અને મેના અંતે 215.8 બિલિયન ડોલર થયું હતું.

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુએસ સિક્યોરિટીઝમાં ભારતના રોકાણમાં વધારાને ભારતની ફોરેક્સ રિઝર્વમાં વધારાના સંદર્ભમાં મૂલવવો જોઇએ. અમેરિકાની સરકારના બોન્ડની યીલ્ડ ગયા વર્ષના મધ્યમાં તળિયે આવી ગઈ હતી, આ પછી તેમાં સતત વધારો થઈ રહ્યો છે

ભારતનું ફોરેક્સ રિઝર્વ 13 ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહના અંતે 619.365 બિલિયન ડોલર રહ્યું હતું, જે અગાઉના સપ્તાહે 621.464 બિલિયન ડોલરના વિક્રમજનક સ્તરે હતું.