બ્રિટિશ શીખોના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG)ના અધ્યક્ષ પ્રીત કૌર ગિલ દ્વારા વેસ્ટમિંસ્ટર પેલેસ ખાતે સ્પીકર્સ હાઉસમાં પાર્લામેન્ટરી રિસેપ્શનનું શાનદાર આયોજન કરાયું હતું. આ ઐતિહાસિક ક્રોસ-પાર્ટી કાર્યક્રમમાં એંગ્લો-શીખ ઇતિહાસ અને આજના બ્રિટિશ શીખ સાથે જોડાયેલા મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

સાંસદ અને સ્પીકર સર લિન્ડસે હોયલે ગૃહના સ્ટેટ રૂમમાં સંસદસભ્યો, પ્રતિષ્ઠિત મહેમાનો અને શીખ સમુદાયના નેતાઓનું સ્વાગત કર્યું હતું. પ્રિત કૌર ગિલ અને શીખ ફેડરેશન (યુકે)ના મુખ્ય સલાહકાર દબીન્દરજીત સિંહ OBE એ છેલ્લા 200 વર્ષોમાં સમગ્ર એંગ્લો-શીખ ઇતિહાસમાંથી મુખ્ય ક્ષણો પર પ્રકાશ પાડ્યો હતો.

1911માં સ્થપાયેલા પ્રથમ શીખ ગુરૂદ્વારા (સેન્ટ્રલ ગુરૂદ્વારા, લંડન)ના પ્રમુખ ગુરપ્રીત સિંહ આનંદ અને શીખ કાઉન્સિલ યુકેના વર્તમાન મહાસચિવ અને શીખ મહિલા એલાયન્સના અધ્યક્ષ બલવિંદર કૌર સૌંદે બ્રિટિશ શીખો સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે વાત કરી હતી.

કાર્યક્રમમાં ફોરેન અફેર્સ સિલેક્ટ કમીટીના અધ્યક્ષ અને એમપી ટોમ ટુગેન્ધટ; શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન કેટ ગ્રીન, એમપી; ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ (FCDO)ના પાર્લામેન્ટરી પ્રાઇવેટ સેક્રેટરી જોય મોરિસે, એમપી; માર્ટિન ડોકર્ટી-હ્યુજીસ, એમપી; પેટ મેક’ફેડન, એમપીએ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા.

‘સારાગઢી દિવસ’ તેમજ 9/11ની 20 મી વર્ષગાંઠની સાથે સાથે, વક્તાઓએ શીખ સમુદાયના ઐતિહાસિક યોગદાન અને પડકારો બંનેને સ્પર્શ્યા હતી. પ્રિત કૌર ગિલે 9/11ની 20મી વર્ષગાંઠ પર પ્રકાશ ફેંકી બ્રિટિશ શીખો હેટ ક્રાઇમ અને પૂર્વગ્રહનું નિશાન બન્યા હતા તેમજ 1897માં સારાગઠીની લડાઈમાં 21 શીખ સૈનિકોના બલિદાનની યાદ તાજી કરાવી હતી. એમપી ટોમ ટુગેન્ધટે ‘હિડન હીરોઝ’ અભિયાનની ચર્ચા કરી હતી જેને તેમણે વી ટૂ બિલ્ટ બ્રિટન સાથે ચેમ્પિયન કર્યું છે.

બન્ને સાંસદોએ ગ્રેટ બ્રિટનમાં શીખોના પ્રચંડ યોગદાન તેમજ દાયકાઓથી શીખોના બલિદાન અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે તેની માહિતી આપી છેલ્લા 200 વર્ષમાં બ્રિટનના લશ્કરી અધિકારીઓ અને રાજકીય નેતાઓએ શીખ ઓળખની પ્રશંસા કરી અને તેને પ્રોત્સાહન આપ્યું હોવાની માહિતી આપી હતી.

પ્રીત કૌર ગિલે કહ્યું હતું કે ” બ્રિટિશ શીખ વારસાની ઉજવણી કરવા અને આજે આપણા સમુદાયોને અસર કરતી સમસ્યાઓ પર પ્રકાશ પાડવા સમુદાયના નેતાઓ અને સંસદસભ્યોને સ્પીકર્સ હાઉસમાં આ કાર્યક્રમ યોજી ભેગા કરવા તે એક મહાન સન્માન છે. શીખ ઇતિહાસ એ બ્રિટિશ ઇતિહાસ છે. આગળ વધવા માટે ઔતિહાસિક અન્યાય અને પડકારોનો સ્વીકાર કરવો અને સમજવું અગત્યનું છે. શીખોએ છેલ્લા 200 વર્ષોમાં એંગ્લો-શીખ ઇતિહાસમાં મોટી સફળતા મેળવી છે. તે ખુલ્લા જોડાણ અને આપણા દેશના ભૂતકાળ સાથે પ્રામાણિક ગણતરીથી શરૂ થાય છે. સમગ્ર વિશ્વમાં, સરકારોએ  શીખોના પ્રચંડ યોગદાનની પ્રશંસા કરવી જોઈએ, તેમની સાથે મળીને બધાની સુધારણા માટે તેમની નીતિઓને સમજવા માટે કામ કરવું જોઈએ.”