વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભાવનગર ખાતે યોજાયેલા “સમુદ્ર સે સમૃધ્ધિ” કાર્યક્રમમાં રૂ.૩૩,૬૦૦ કરોડથી વધુનાં ખાતમૂહુર્ત અને વિવિધ પ્રોજેક્સનું લોકાર્પણ કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, “ચિપ થી શિપ” સુધીના નિર્માણ દ્વારા આત્મનિર્ભરતા કેળવી ભારતની સમૃધ્ધિનો દ્વાર ખોલવો છે. આજે ભાવનગર સમુદ્ર થી સમૃધ્ધિ તરફ જવાનું કેન્દ્ર બન્યું છે.
૨૦૪૭ માં વિકસિત ભારતના સંકલ્પમાં આત્મનિર્ભરતા મુખ્ય છે. તેની વિભાવના પર ભાર મુક્તા જણાવ્યું કે, સો દુ:ખોની એક જ દવા છે તે છે આત્મનિર્ભરતા. ભારતનો દરિયાકિનારો સમૃધ્ધિના દ્વાર ખોલનાર બની રહેવાનો છે. ભારત સરકાર સામુદ્રિક વિરાસતના ભારતના પૂરાતન ગૌરવને ફરીથી હાંસલ કરવા માટે મરિન ક્ષેત્રની અનેક નીતિઓમાં પરિવર્તન લાવી રહી છે.
ભારતનું કોઇ દુશ્મન નથી. દુશ્મન હોય તો તે બીજા દેશ પરની નિર્ભરતા છે. જેટલી વિદેશી નિર્ભરતા એટલી દેશની વિફળતા. વિશ્વમાં શાંતિ, સ્થિરતા અને સમૃધ્ધિ માટે ભારતે આત્મનિર્ભર બનવું જ પડશે. આપણે ૧૪૦ કરોડ દેશવાસીઓનું ભવિષ્ય બીજા પર છોડી ન શકીએ. બીજા પરની નિર્ભરતા એ ભારતની સ્વમાનતા પર ઘા સમાન છે. ત્યારે આપણે વિશ્વ બંધુત્વની ભાવનાથી “આત્મનિર્ભર ભારત” ના મંત્ર દ્વારા તેને સાકાર કરવો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પોર્ટ લેઇડ ઉદ્યોગને ગતિ આપવા માટે તેમજ ક્રૂઝ ટુરિઝમને વધારવા માટે મુંબઇ ઇન્ટરનેશનલ ક્રૂઝ સ્ટેશનનું લોકાર્પણ થયું છે. ગુજરાતમાં પણ અનેક પોર્ટ વિકાસના કાર્યો ગતિ-પ્રગતિમાં છે. ગુજરાતમાં પણ અલંગ સાથે અનેક જગ્યાએ શિપ બિલ્ડીંગ અને રિ-સાયક્લિંગના કાર્યો વિકસિત થઇ રહ્યાં છે. આઝાદી બાદ કોંગ્રેસે લાઇસન્સ અને ક્વોટા રાજમાં દેશનાં મેરિટાઇમની ઇકોસિસ્ટમને ઠપ્પ કરી નાંખી હતી. ભૂતકાળમાં વિદેશી જહાજોને ભાડે રાખવા એ આપણી મજબૂરી બની ગઇ હતી. માત્ર ૫ ટકા જ ધંધો રહી ગયો હતો. દર વર્ષે ભારત ૭૫ બિલિયન (૬ લાખ કરોડ) વિદેશી શિપિંગ કંપનીઓને ભાડા પેટે ચૂકવતું હતું. આ સ્થિતિને આપણે સ્વદેશી જહાજોનું નિર્માણ કરી બદલવી છે. તાજેતરમાં, ભારત આઇ.એન.એસ. વિક્રાંત સહિત ૪૦ સ્વદેશી જહાજોનું નિર્માણ કર્યુ છે, જેમા હાઇ ક્વોલિટી સ્ટીલ સહિતની સામગ્રી ભારતની બનાવટની વાપરવામાં આવી છે. જે આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે.

LEAVE A REPLY