રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ શનિવારે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન અટકવું જોઇએ અને ધર્મ બદલનારા વ્યક્તિએ તેની જાહેરાત કરવી જોઇએ. જો ધર્મ પરિવર્તન વિરોધી બિલ પસાર થશે તો સંઘ તેને આવકારશે.
સંઘની ત્રણ દિવસની અખિલ ભારતીય કાર્યકારી મંડલની બેઠકના સમાપન વખતે પત્રકારો સાથે વાતચીત કરતાં આરએસએસના મહામંત્રી દત્તાત્રેય હોસબાલે જણાવ્યું હતું કે એવા લોકો છે કે જેમને ધર્મ પરિવર્તન કર્યું છે અને તેની જાહેરાત કરી નથી. તેઓ બેવડા લાભ લે છે.
ધર્મ પરિવર્તન વિરોધી બિલ અંગેનાના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે લઘુમતી સમુદાય તેનો કેમ વિરોધ કરે છે તે ખુલ્લું રહસ્ય છે. છેતરપિંડી કે બીજી કોઇ પણ પદ્ધતિથી સંખ્યામાં વધારો સ્વીકાર્ય નથી. માત્ર આરએસએસ જ નહીં પરંતુ મહાત્મા ગાંધી અને બીજા નેતાઓ પણ ધર્મ પરિવર્તનનો વિરોધ કરતાં હતા.
તેમણે દાવો કર્યો હતો કે દેશના 10થી વધુ રાજયોએ ધર્મ પરિવર્તન વિરોધી બિલ પસાર કર્યું છે. હિમાચલપ્રદેશમાં કોંગ્રેસ સરકારે આ ઠરાવ પસાર કર્યો હતો. વિરભદ્ર સિંહ મુખ્યપ્રધાન હતા અને તેમણે એન્ટી કન્વર્ઝન બિલ પસાર કર્યું હતું. અરુણાચલપ્રદેશમાં પણ કોંગ્રેસ સરકારે આવું બિલ પસાર કર્યું હતું. ગેગોંગ અપાંગ તે સમયે મુખ્યપ્રધાન હતા.
આરએસએના કાર્યકરે જણાવ્યું હતું કે ધર્મ બદલવા માટે હંમેશથી તમામને સ્વતંત્રતા છે, પરંતુ હાલમાં થઈ રહ્યું છે તે યોગ્ય નથી. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપીએ આ મુદ્દે રાષ્ટ્રીય ચર્ચા કરવાની હાકલ કરી હતી.