પશ્ચિમ બંગાળ અને આસામમાં કોરોનાના કેસોમાં વધારાને પગલે કેન્દ્ર સરકારે કોરોના નિયમોનો સખતાઈથી અમલ કરવાની અને નિયમોની સમીક્ષા કરવાની રાજ્યોને તાકીદ કરી હતી. પશ્ચિમ બંગાળ અને આસામમાં કોરોના કેસમાં વધારાની સાથે સાપ્તાહિક સંક્રમણદરમાં પણ વધારો થયો છે. બીજી તરફ ટેસ્ટિંગમાં ઘટાડો થયો છે.

આસામ અને બંગાળના મુખ્ય સચિવોને 26 ઓક્ટોબરે લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહ (20થી 26 ઓક્ટોબર)થી સાપ્તાહિક નવા કેસમાં વધારો થઈ રહ્યો છે અને 25 ઓક્ટોબર સુધીના છેલ્લાં ચાર સપ્તાહમાં કોરોના કેસમાં વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 22 ઓક્ટોબરે પશ્ચિમ બંગાળને પત્ર લખ્યો હતો અને જણાવ્યું હતું કે દુર્ગા પૂજા બાદ કોલકતામાં સંક્રમણદરમાં વધારો થઈ રહ્યો છે જે ચિંતાજનક છે.

આસામને લખેલા પત્રમાં આહૂજાએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહ (20થી 26 ઓક્ટોબર)થી સાપ્તાહિક ધોરણે નવા કેસોમાં 41 ટકા વધારો થયો છે. છેલ્લાં ચાર સપ્તાહમાં સંકમણદરમાં પણ વધારાના સંકેત મળ્યા છે. 28 સપ્ટેમ્બરથી ચાર ઓક્ટોબર દરમિયાન સંક્રમણદર 1.89 ટકા હતો, જે 19-25 ઓક્ટોબરે વધીને 2.22 ટકા થયો હતો.
આહુલાએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહે પશ્ચિમ બંગાળમાં સાપ્તાહિક નવા કેસોમાં 41 ટકાનો વધારો થયો છે. ગયા સપ્તાહ (20-26 ઓક્ટોબર)માં કોરોનાના નવા 6,040 કેસ નોંધાયા હતા, જે 13થી 19 ઓક્ટોબરના સપ્તાહમાં 4,277 હતા.