દિવાળીના ખાસ પ્રસંગે અમેરિકી પ્રેસિડન્ટ જો બાઈડન અને અમેરિકાના ફર્સ્ટ લેડી જિલ બાઈડને વિશ્વભરમાં વસતા હિન્દુ સમુયદાના લોકોને શુભેચ્છા પાઠવી હતી. બાઈડને પોતાના પત્ની જિલ બાઈડન સાથે વ્હાઈટ હાઉસમાં એક દીવો પ્રગટાવીને દિવાળીની ઉજવણી કરી હતી. યુકેના વડાપ્રધાન બોરિસ જોન્સને પણ દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે.
જો બાઈડને ટ્વિટમાં લખ્યું હતું કે, ‘દિવાળીની રોશની આપણને અંધકારમાંથી જ્ઞાન અને સચ્ચાઈ, વિભાજનમાંથી એકતા, નિરાશામાંથી આશાની યાદ અપાવે છે. અમેરિકા અને સમગ્ર વિશ્વના હિંદુઓ, શીખો, જૈનો અને બૌદ્ધોને દિવાળીની શુભકામનાઓ.’
અમેરિકી વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે પણ ટ્વિટર પર એક વીડિયો શેર કરીને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં પ્રકાશનું પર્વ ઉજવવામાં આવી રહ્યું છે. જોકે આ વખતે દિવાળીનું મહત્વ ખૂબ અલગ છે. આ વર્ષે દિવાળી વિનાશકારી મહામારી વચ્ચે વધુ ગાઢ અર્થ સાથે આવી રહી છે. આ હોલિડે અમને અમારા દેશના સૌથી પવિત્ર મૂલ્યોની યાદ અપાવે છે.
તેમણે કોરોના મહામારીમાં પોતાના લોકોને ગુમાવનારાઓ માટે સંવેદના વ્યક્ત કરી હતી. કમલા હેરિસે કહ્યું કે, આપણે એ લોકો સાથે ઉભા રહેવું જોઈએ જેણે આ મહામારી દરમિયાન સ્વજનો ગુમાવ્યા છે, દુઃખના સમયે એકબીજાનો હાથ પકડીને ચાલવું તે જ માણસાઈ છે.