પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં પ્રથમ હિન્દુ મંદિર માટે જમીન ફાળવણીને આખરે બહાલી આપવામાં આવી છે. અગાઉ ઇસ્લામાબાદની સિટી ઓથોરિટીએ દેશની સર્વોચ્ચ અદાલતમાં જણાવ્યું હતું કે આ મંદિર માટે જમીન ફાળવણીને રદ કરવામાં આવી હતી. તેનાથી ભારે વિરોધ થયો હતો અને આખરે સત્તાવાળાએ ઝુકવું પડ્યું હતું.
ઈમરાન ખાન સરકાર હેઠળની કેપિટલ ડેવલપમેન્ટ ઓથોરિટી (CDA) લઘુમતી સમુદાયની માંગણી પર ઇસ્લામાબાદના સેક્ટર એચ-9/2માં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવણી હતી. મંદિર, કમ્યુનિટી સેન્ટર અને ક્રેમેશનના બાંધકામ માટે 0.48 એકર જમીન વર્ષ 2017માં ફાળવવામાં આવી હતી અને વર્ષ 2018માં હિન્દુ પંચાયતને સોંપવામાં આવી હતી.
માનવ અધિકાર આયોગ (HRC)ના સભ્ય ક્રિષ્ના શર્માના જણાવ્યા અનુસાર, ઈસ્લામાબાદ અને તેની બહારના વિસ્તારોમાં 3,000 વધુ હિન્દુ પરિવારો રહે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે તેમની પાસે યોગ્ય સ્થાનનો અભાવ છે જ્યાં તેઓ હોળી અને દિવાળી જેવા ધાર્મિક પ્રસંગો ઉજવી શકે અથવા લગ્ન અથવા અંતિમ સંસ્કાર કરી શકે.
જમીન ફાળવણીને રદ કરવામાં આવી હોવાના ન્યૂઝને પગલે આ નિર્ણયનો જોરદાર વિરોધ થયો હતો અને સીડીએની ટીકા થઈ હતી. આ વિરોધને પગલે ફરી જમીન ફાળવણી કરવામાં આવી છે. સિટી ઓથોરિટીના પ્રવક્તાએ નવા એલોટમેન્ટ લેટરની કોપી પણ જાહેર કરી હતી.