અરુણાચલપ્રદેશમાં ભારત અને ચીન વચ્ચેની સરહદનો વિસ્તાર (istockphoto.com)

ચીને અરુણાચલપ્રદેશ સેક્ટરમાં ભારત સાથેની વિવાદાસ્પદ જમીન પર એક મોટા ગામનું નિર્માણ કર્યું હોવાના પેન્ટાગોનના અહેવાલના થોડા દિવસો બાદ ભારતના સુરક્ષા દળોના સુત્રોએ જણાવ્યું હતું કે આ ગામ આશરે છ દાયકાથી ચીનની આર્મીના અંકુશ હેઠળના વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે 1959માં આસામ રાઇફલ પોસ્ટ વટાવીને પીપલ્સ લિબરેશન આર્મીએ આ વિસ્તારનો કબજો જમાવ્યો હતો અને તેના પર આ ગામ ઊભું કરવામાં આવ્યું છે. અપર સુબાનસિરી જિલ્લામાં વિવાદાસ્પદ સરહદ પરનું આ ગામ ચીનના અંકુશ હેઠળના વિસ્તારમાં છે. ચીને વર્ષોથી આ વિસ્તારમાં આર્મી પોસ્ટ ઊભી કરેલી છે અને ચીને ટૂંકા ગાળામાં વિવિધ બાંધકામ કર્યા નથી.

તાજેતરના અહેવાલમાં અમેરિકાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે વાસ્તવિક અંકુશ રેખા (LAC)ના ઇસ્ટર્ન સેક્ટરમાં તિબેટ સ્વાયત્ત પ્રદેશ અને ભારતના અરુણાચલપ્રદેશ વચ્ચેની વિવાદાસ્પદ જમીનમાં 100 મકાનો સાથેનું એક મોટું ગામ વસાવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે લોંગજુ તરીકે ઓળખાતી લશ્કરી કાર્યવાહી દરમિયાન ચીનને 1959માં આસામ રાઇફલ પોસ્ટને વટાવીને આ વિસ્તાર કબજે કર્યો હતો. ચીનની મિલિટરી અને સુરક્ષા ગતિવિધિ અંગેના અમેરિકાના રીપોર્ટમાં જણાવાયું હતું કે ચીન વાસ્તવિક અંકુશ રેખા પર વિવાદાસ્પદ જમીન પર પર પોતાનો દાવો મજબૂત કરવા માટે વ્યૂહાત્મક પગલાં લઈ રહ્યું છે. બીજી તરફ તે ભારત સાથે તંગદિલીમા ઘટાડો કરવા રાજદ્વારી અને લશ્કરી મંત્રણા પણ કરી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ચીને 2020માં આ ગામ ઊભું કર્યું હતું.

ગયા વર્ષે લડાખમાં વિવાદ બાદ ભારતે અરુણાચલપ્રદેશમાં પણ વાસ્તવિક અંકુશરેખા પર તેની મિલિટરી તૈયારીમાં વધારો કર્યો છે. ઇસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ ગયા મહિને જણાવ્યું હતું કે ચીને અરુણાચલપ્રદેશ સેક્ટરના દૂરના વિસ્તારમાં લશ્કરી કવાયત અને લશ્કરીની જમાવટમાં વધારો કર્યો છે. ભારતે પણ તમામ સંભવિતતાને પહોંચી વળવા કન્ટીજન્સી પ્લાન તૈયાર કર્યો છે.