અમેરિકન એરલાઇન્સે આશરે એક દાયકા બાદ આ સપ્તાહથી ભારતની ફ્લાઇટ શરૂ કરી છે. કોરોના મહામારી વચ્ચે નોન સ્ટોપ ટ્રાવેલની વધતી જતી માગને પગલે કંપનીએ આ નિર્ણય કર્યો છે, એમ એરલાઇનના સિનિયર એક્ઝિક્યુટિવે જણાવ્યું હતું. EMEA સેલ્સના મેનેજિંગ ડિરેક્ટર ટોમ લેટિગે જણાવ્યું હતું કે ટ્રાવેલની માગમાં ફરી વધારો થયો છે. તેથી અમેરિકન એરલાઇન્સ તેના ઇન્ટરનેશનલ નેટવર્કમાં વધારો કરવા માગે છે અને ભારત એક મોટુ વણખેડાયેલું માર્કેટ છે.
તેમણે નવી દિલ્હીમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે કોરોના મહામારીને કારણે ઘણા ગ્રાહકો નોન સ્ટોપ ટ્રાવેલ કરવા માગે છે. અમે જાણીએ છીએ કે ભારત અને અમેરિકા વચ્ચે જંગી માગ છે તથી પરત આવવા માટેની સારી તક છે.
અમેરિકની એરલાઇન્સે 2012માં ભારતની સર્વિસ સસ્પેન્ડ કરી હતી. કંપની આ વીકએન્ડથી નવી દિલ્હી-ન્યૂ યોર્ક સાથે ફ્લાઇટનો પ્રારંભ કર્યો છે. તે માર્ચ મહિનામાં ભારતની ટેક સિટી બેંગલુરુ અને સીએટલ વચ્ચે ફ્લાઇટ ચાલુ કરશે. જો આ રૂટમાં સફળતા મળશે તો ભારતની આર્થિક રાજધાની મુંબઈ માટે ફ્લાઇટ ચાલુ કરાશે.