(ANI Photo)

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) 2024ના ટી20 વર્લ્ડ કપનું આયોજન અમેરિકામાં કરવા માટે યોજના બનાવી રહી હોવાનું માનવામાં આવે છે. 2024 ટી20 વર્લ્ડ કપ માટે યુએસએ ક્રિકેટ અને ક્રિકેટ વેસ્ટ ઈન્ડીઝની સંયુક્ત બીડ ઉપર આઈસીસી મહોર મારી શકે છે.વર્ષ 2028માં ઓલિમ્પિક અમેરિકાના લોસ એન્જલસમાં યોજવવાના છે અને ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવા માટે આઈસીસી દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

ઓસ્ટ્રેલિયન વર્તમાનપત્ર સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટ અનુસાર, આઈસીસી ઈવેન્ટના આગામી સ્થળો અંગેના નિર્ણયની ચર્ચામાં વૈશ્વિક ફલક પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેવું નક્કી કરાયું હતું. એટલે કે હાલ જે રીતે આઈસીસી ઈવેન્ટના સ્થળોની પસંદગી કરવામાં આવે છે, તેના કરતાં વધારે વ્યાપક રીતે આગામી ઈવેન્ટ્સ માટે સ્થળોની પસંદગી કરવામાં આવશે.

જો બધું પ્લાન મુજબ જ ચાલશે તો, ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સિવાય પ્રથમ વખત વિશ્વના અન્ય દેશમાં આ ટુર્નામેન્ટ યોજવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે 2014માં જ ટી20 વર્લ્ડ કપ ત્રણેય દેશો સિવાય બાંગ્લાદેશમાં આયોજિત કરવામાં આવ્યો હતો. આઈસીસી દ્વારા ઘણા સમયથી વર્લ્ડ કપ જેવી મેગા ઈવેન્ટ્સને અન્ય દેશોમાં આયોજિત કરવા પર ધ્યાન આપી રહી છે.

2024ના ટી20 વર્લ્ડ કપમાં 20 ટીમો અને 55 મેચો રમાશે તેવી સંભાવના છે. જ્યારે હાલમાં 2021 અને 2022ના ટી20 વર્લ્ડ કપમાં 16 ટીમો ભાગ લઈ રહી છે અને 45 મેચો રમાશે. આઈસીસી દ્વારા 2024થી 2031 વચ્ચેની ટુર્નામેન્ટ વિવિધ દેશોમાં યોજવાનું આયોજન કરી રહી છે અને તેની શરૂઆત 2024થી થશે.