શ્રીમંત ગ્રાહકોના ખાતામાંથી લગભગ £1 મિલિયનના નાણાંની ચોરી કરનાર HSBC બેન્કના ભ્રષ્ટ મેનેજરો સરપોંગને પાંચ વર્ષ અને 11 મહિનાની તેમજ ઉદ્દીનને છ વર્ષ અને આઠ મહિનાની સજા થઈ હતી. બંને જણાએ તેમનો ગુનો કબૂલ કર્યો હતો.
ચિગવેલના 33 વર્ષીય ગેરાલ્ડ સરપોંગ અને બેથનલ ગ્રીનના 30 વર્ષીય મોહમ્મદ ઉદ્દીન બર્મિંગહામ અને નોટિંગ હિલમાં 120 માઈલના અંતરે આવેલી શાખાઓમાં કામ કરતા હતા. તેમણે અન્ય અજાણ્યા ગુનેગારો સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને તેમને સાત વ્યક્તિઓની વિગતો મોકલી હતી જેમની જીવનભરની બચત લૂંટાઈ હતી.
ઇનર લંડન ક્રાઉન કોર્ટમાં સુનાવણી વખતે જણાવાયું હતું કે ‘’જાન્યુઆરી 2018 અને ઓક્ટોબર 2018 વચ્ચે કુલ £936,565ની છેતરપિંડી કરવામાં આવી હતી. HSBC ની આંતરિક સુરક્ષા તપાસમાં આ કૌભાંડ જોવા મળ્યું હતું. પોલીસે 10 જુલાઈ, 2018ના રોજ બર્મિંગહામની એડમન્ડ સ્ટ્રીટમાં બેંકની શાખામાં કોર્પોરેટ એકાઉન્ટ્સ મેનેજર સરપોંગની ધરપકડ કરી તેના ડેસ્કની તપાસ કરી ગ્રાહકની માહિતી સાથે ઉદ્દીનને મોકલેલા સંદેશાઓ ધરાવતો મોબાઇલ જપ્ત કર્યો હતો. ઉદ્દીનના ઘરે કરાયેલી તપાસમાં કર્તાઓને ડિજિટલ ઉપકરણો અને દસ્તાવેજો મળ્યા હતા. બંને શખ્સોએ છેતરપિંડીનું ષડયંત્ર રચવાનો ગુનો કબૂલ્યો હતો. તમામ પીડિતોને બેંક દ્વારા સંપૂર્ણ રિફંડ આપવામાં આવ્યું હતું.
HSBC UKના પ્રવક્તાએ જણાવ્યું હતું કે: “HSBC પાસે છેતરપિંડીની પ્રવૃત્તિને અટકાવવા અને શોધવા માટે મજબૂત પગલાં છે. એચએસબીસી સ્ટાફની છેતરપિંડી માટે ઝીરો ટોલરન્સ અભિગમ ધરાવે છે અને અમે આવી બાબતોમાં પોલીસ અને કાર્યવાહીને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ.”