વિશ્વભરમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે મોટા ભાગના વેપાર – ઉદ્યોગોને ભારે અને વ્યાપક નુકશાન થયું છે, લોકોએ અને વેપારીઓ-ઉદ્યોગપતિઓએ અનેક રીતે મુશ્કેલીઓ વેઠવી પડી છે તેવા સંજોગોમાં પણ બ્રિટિશ એશિયન બિઝનેસીઝે આ પડકારોનો સફળતાપૂર્વક સામનો કર્યો છે, જુદી જુદી રીતે તેના ઉપર વિજય મેળવ્યો હોવાનું એશિયન રિચ લિસ્ટના તારણો દર્શાવે છે.

ગરવી ગુજરાત અને ઈસ્ટર્ન આઈના પ્રકાશકો, એશિયન માર્કેટીંગ ગ્રુપ દ્વારા શુક્રવારે (19 નવેમ્બર) લંડનમાં એશિયન બિઝનેસ એવોર્ડ્ઝના સમારંભમાં આ એશિયન રિચ લિસ્ટ રજૂ થવાનું છે, જેમાં એશિયન બ્રિટિશ વેપારીઓ – સાહસિકોની સફળતાની ભવ્ય ગાથા તો પ્રસ્તુત થશે જ, સાથે સાથે આ સમુદાયની સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને અનુકંપાના નવા મૂલ્યો પણ તેમાં ઉજાગર થશે.

ફૂડ, ડ્રિંક્સ, ફાર્મસી તેમજ પ્રોપર્ટીના બિઝનેસમાં રહેલા લોકોને નુકશાન વેઠવાનું આવ્યું નથી, તો હોસ્પિટાલિટી, લીઝર તેમજ કેર બિઝનેસમાં રહેલા લોકોને સૌથી વધુ મુશ્કેલીઓ અને નુકશાન ભોગવવાનું થયું છે અને તેઓ હજી પણ સ્ટાફિંગની તકલીફોમાંથી બહાર આવ્યા નથી.

કોરોનાના રોગચાળાના પડકાર વચ્ચે પણ સફળતાના સોપાન સર કર્યા

માર્ચ 2020માં સમગ્ર વિશ્વએ કોરોનાની ઘાતક અસરોનો પરચો મેળવ્યો એ પછી સૌપ્રથમ વખત તૈયાર કરાયેલા આ રિચ લિસ્ટની વિગતો અનુસાર આ બધી સમસ્યાઓ છતાં જે મોખરાના 101 બિઝનેસીઝની યાદી તૈયાર કરાઈ છે, તેમની કુલ અંદાજિત મિલકતોમાં 21 ટકાની વૃદ્ધિ સાથે તે £99.5 બિલિયનની થઈ છે. ગયા વર્ષે લિસ્ટ તૈયાર તો કરાયું હતું પણ એ રજૂ કરાયું નહોતું અને ગયા વર્ષના એ લિસ્ટના 13ની તુલનાએ આ વર્ષે 101ની યાદીમાં 15 બિલિયોનેર્સ છે.

એશિયન રિચ લિસ્ટમાં આ વર્ષે બે નવા બિલિયોનેર ઉમેરાયા

આ યાદીમાં નવું સ્થાન પામેલા બેમાં વેમેઈડ પીએલસીના વિજય અને ભીખુ પટેલ સામેલ છે.
આ બન્નેમાંથી એક ફાર્માસિસ્ટ છે, તો બીજા આર્કિટેક્ટ છે અને તેમણે કેન્યાથી રેફ્યુજી તરીકે યુકે આવ્યા પછી વેમ્બ્લીમાં એક ચિપ શોપમાં જોબથી અને પછી એક ફાર્મસીથી શરૂઆત કરી હતી અને આજે તો તેઓ ફાર્મસીઝની એક ચેઈનના તેમજ ફાર્માસ્ટીકલ્સની ઉત્પાદન સુવિધાના માલિકો છે. આ યાદીમાં સામેલ બીજા નવા બિલિયોનેર હોટેલિયર જસ્મિન્દર સિંઘ છે. તેમણે પણ એક હોટલની માલિકીથી સામાન્ય શરૂઆત કરી હતી. તેમના એડવર્ડીઅન ગ્રુપને ભારે નુકશાન થયું હોવા છતાં તેઓએ હિંમતભેર લેસ્ટર સ્ક્વેર ખાતેની £500 મિલિયનની ધી લંડનરના નિર્માણમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું હતું અને આજે એ નવા સાહસે સાર્વત્રિક લોકપ્રિયતા અને પ્રશંસા મેળવી છે.

શુક્રવારે એશિયન બિઝનેસ એવોર્ડ્ઝનો ભવ્ય સમારંભ ધી લંડનરના ગ્રાંડ બોલ રૂમમાં યોજાશે, જ્યાં મોખરાની હરોળના એશિયન બ્રિટિશ વેપારીઓ, સાહસિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

એશિયન રિચ લિસ્ટમાં છ નવા નામોને આ વર્ષે સ્થાન મળ્યું છે અને તેમાં સુપ્રીમ લિ. (માન્ચેસ્ટર) ના સેન્ડી ચઢા, ફાર્માસિસ્ટ ભાઈઓ દાનેશ અને સંજય ગઢીઆ (મોર્નિંગસાઈડ, લેસ્ટર) કેએફસી તેમજ સ્ટારબક્સ જેવી નામાંકિત હાઈ સ્ટ્રીટ ફૂડ બ્રાંડ્ઝના આઉટલેટ્સના માલિકી અલી જાન મોહમ્મદ, પ્રોપર્ટી, લીઝર અને કેર હોમ્સના માલિક મીનુ મલ્હોત્રા (ન્યૂ કાસલ) નો સમાવેશ તાય છે.

સતત સાતમાં વર્ષે પણ સૌથી વધુ ધનાઢ્ય એશિયન બ્રિટિશર તરીકે પ્રથમ સ્થાને હિન્દુજા પરિવાર છે. બેન્કિંગ, ઓઈલ, એનર્જી, ઓટોમોબાઈલ્સ ક્ષેત્રે હિતો ધરાવતા આ પરિવારની કુલ મિલકતોમાં ગયા વર્ષના £25 બિલિયન ઉપર દસ ટકાનો – £2.5 બિલિયનનો વધારો થયો છે. તેઓએ વૈશ્વિક વલણથી વિપરિત, રોગચાળા દરમિયાન કર્મચારીઓની સંખ્યામાં કાપ મુકવાના બદલે નવા કર્મચારીઓની ભરતી કરી હતી. ત્રણ ભાઈઓમાંના એક, ગોપીચંદ હિન્દુજાએ એશિયન રિચ લિસ્ટ સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, કોવિડ કાળ અનેક લોકો માટે ખૂબજ મુશ્કેલ હતો, છતાં અમે અમારા કર્મચારીઓમાંથી એકેયને વિદાય કર્યા નથી, અમારા કર્મચારીઓ (વિશ્વભરમાં 170,000 જેટલા છે) અમને વફાદાર છે અને તે બધા અમારા ગ્રુપના ખરા આધાર સ્થંભ છે. તેઓ પ્રતિબદ્ધ છે અને તેમનામાં કામકાજ અને સફળતામાં વધારો કરવાની એક પ્રકારની પેશન છે.

હિન્દુજા ગ્રુપે લંડનની સૌથી મોટી એક્સક્લુઝિવ પ્રોપર્ટીઝમાંની એક, ધી ઓલ્ડ વોર ઓફિસ (OWO) હસ્તગત કરી ત્યાં રાફેલ્સ હોટેલ તથા 85 પ્રાઈવેટ એપાર્ટમેન્ટ બનાવ્યા છે, જે OWO રેસીડેન્સીઝ તરીકે ઓળખાય છે. આ એપાર્ટમેન્ટ્સની વિશિષ્ટતા એ છે કે તેમને પણ હોટલની વ્યાપક અને અદભૂત સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. હોટેલમાં 9 રેસ્ટોરેન્ટ્સ અને બાર્સ, એક સ્પા અને 20m પુલ તથા એક ગ્રાંડ બોલરૂમનો સમાવેશ થાય છે.

રિચ લિસ્ટમાં 16મા ક્રમે રહેલા હોટેલિયર સુરિન્દર અરોરાએ પણ વ્યાપક નુકશાન વેઠ્યા છતાં પોતાની O2 ઈન્ટરકોન્ટીનેન્ટલ હોટેલ, ગ્રીનવિચ રોગચાળા દરમિયાન એનએચએસ સ્ટાફને માટે વિના મૂલ્યે ખુલ્લી મુકી હતી, તો તેમની એક્સેલ હોટેલ નાઈટિંગેલ હોસ્પિટલમાં કન્વર્ટ કરાઈ હતી. પોતાના ભારે નુકશાન છતાં હિંમતભેર તેમણે કહ્યું હતું કે, એ હિંમતવાન, નિસ્વાર્થ ભાઈઓ અને બહેનોનો અમે આ રીતે આભાર માન્યો છે.

બેસ્ટવેના લોર્ડ ઝમીર ચૌધરીએ પણ એવું કહ્યું હતું કે, આપણા નસીબદાર છીએ કે આપણે જીવતા છીએ, આપણે આજે અહીં હયાત છીએ. એશિયન મીડિયા ગ્રુપના મેનેજીંગ એડિટર કલ્પેશ સોલંકી અને એક્ઝિક્યુટીવ એડિટર શૈલેષ સોલંકીએ જણાવ્યું હતું કે, “એશિયન રિચ લિસ્ટ બ્રિટનમાં એશિયન સાહસિકોની સમૃદ્ધિનું બેરોમિટર છે અને કોરોનાના રોગચાળા તથા બ્રેક્ઝિટના સંજોગોમાં ઉભા થયેલા જબરજસ્ત દબાણના માહોલમાં પણ આ બિઝનેસીઝ કેટલા ખમતીધર છે તે અમારા એનાલિસિસમાં દર્શાવાયું છે. એશિયન સાહસિકોએ બ્રિટનના પ્રજાજીવનના તમામ પાસાઓને સમૃદ્ધ બનાવ્યા છે. તેઓએ એક એન્ટરપ્રાઈઝ બ્રિટનની રચનામાં પ્રદાન કર્યું છે અને એ સિદ્ધિનો એશિયન રિચ લિસ્ટ એક પુરાવો છે. અમે આ વેપાર – ઉદ્યોગ સાહસિકોની ધગશ, પેશન તથા ઉર્જાને સલામ કરીએ છીએ.”

એશિયન રિચ લિસ્ટની કોપી અમારા એશિયન બિઝનેસ એવોર્ડ્સ સમારંભના મહેમાનોને શુક્રવારે અપાશે, વાચકો ઈચ્છે તો એ ખરીદી પણ શકે છે. એ માટે તેઓએ 020 7654 7737 ઉપર સૌરિન શાહને કોલ કરવાનો રહેશે.

એશીયલ રીચ લીસ્ટ ટોપ 20

1 ગોપીચંદ અને શ્રીચંદ (હિન્દુજા ગૃપ)
2 લક્ષ્મી અને આદિત્ય મિત્તલ(આર્સેલરમિત્તલ લિમિટેડ)
3 અનિલ અગ્રવાલ (વેદાંતા રીસોર્સીસ)
4 નિર્મલ શેઠીયા (એન સેઠિયા ગ્રુપ લિ)
5 શ્રી પ્રકાશ લોહિયા (ઈન્ડોમા કોર્પોરેશન)
6 સાઇમન, બોબી અને રોબિન આરોરા (B&M રિટેલ લિમિટેડ)
7 સાયરસ અને પ્રિયા વાંદ્રેવાલા (ઈન્ટરપિડ કેપિટલ પાર્ટનર્સ)
8 સર અનવર અને દાઉદ પરવેઝ (બેસ્ટવે (હોલ્ડિંગ્સ) લિમિટેડ)
9 મોહસીન અને ઝુબેર ઇસા (યુરો ગેરેજ લિમિટેડ)
10 જસ્મીન્દર સિંઘ (એડવર્ડિયન ગ્રુપ લિમિટેડ)
11 વિજય અને ભીખુ પટેલ (વેમેડ પીએલસી)
12 રમેશ અને ભૂપેન્દ્ર કણસાગરા (સોલાઈ હોલ્ડિંગ્સ લિમિટેડ)
13 મહમુદ કામાની (બૂહુડોટકોમ યુકે લી.)
14 મનુભાઈ ચંદરિયા (કોમક્રાફ્ટ)
15 લોર્ડ ઝમીર ચૌધરી (બેસ્ટવે ગ્રુપ લિમિટેડ)
16 સુરિન્દર અરોરા (અરોરા હોલ્ડિંગ્સ લિ)
17 હરપાલ અને રાજ મથારુ (લિમિટેડ જસ્ટર કેપિટલ / જેઈએમ હોટેલ્સ)
18 લોર્ડ સ્વરાજ પોલ (કપારો ગ્રુપ)
19 મયુરભાઈ માધવાણી (માધવાણી ગ્રુપ ઓફ કંપનીઝ)
20 ઋષિ ખોસલા (ઓકનોર્થ બેંક)