વૈશ્વિક બજારની લિક્વિડિટી અને દેશમાં આર્થિક રિકવરીની આશાને કારણે ભારતનું શેરબજાર તેજીમાં છે. બજારમાં તેજીના દોરને પગલે ગુજરાતના રોકાણકારોની સંખ્યામાં પણ મોટો વધારો થયો છે. શેરબજારમાં ગુજરાતમાં રોકાણકારોનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. બીએસઈમાં રજિસ્ટર્ડ રોકાણકારોમાંથી 1 કરોડ ગુજરાતના છે. 30 નવેમ્બર 2021ના આંકડા અનુસાર, બીએસઈ પર રજિસ્ટર્ડ ગુજરાતીઓની સંખ્યા 1,00,12,127 નોંધાઈ હતી. રજિસ્ટર્ડ યુઝર્સનો આ આંક યુનિક ક્લાયન્ટ કોડ પર આધારિત છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
શેરબજારમાં ગુજરાતના રોકાણકારોની સંખ્યામાં છેલ્લા એક વર્ષમાં 32 ટકાનો ઉછાળો નોંધાયો છે. બીજા શબ્દોમાં કહીએ તો એક વર્ષમાં ગુજરાતમાંથી 24.26 લાખ લોકોએ ડિમેટ અકાઉન્ટ ખોલાવ્યા છે. શેરમાર્કેટમાં રોકાણ કરતા લોકોની રાજ્ય અનુસાર સંખ્યાની વાત કરીએ તો, દેશમાં મહારાષ્ટ્ર બાદ ગુજરાત બીજા ક્રમે આવે છે. મહારાષ્ટ્ર અને ખાસ કરીને મુંબઈમાં ગુજરાતની મોટી વસતિ છે.
શેરબજારમાં એક કરોડથી વધારે રોકાણકારો હોય તેવા સમગ્ર ભારતમાં માત્ર બે જ રાજ્ય છે, જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં ડિમેટ અકાઉન્ટ ધારકોની સંખ્યા 1.85 કરોડ થાય છે, જે ભારતમાં સૌથી વધુ છે. ગુજરાત બાદ ઉત્તરપ્રદેશ 75 લાખ જ્યારે તમિલનાડુ 49 લાખ રજિસ્ટર્ડ યુઝર્સ સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબર પર આવે છે. રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સમાં વ્યક્તિગત, સંસ્થાકીય તેમજ મ્યુચ્યુઅલ ફંડ મારફતે રોકાણ કરતા એમ તમામ પ્રકારના રોકાણકારોનો સમાવેશ થાય છે. વળી, તેમાં એકથી વધુ ડિમેટ અકાઉન્ટ ધરાવતા લોકો પણ સમાવિષ્ટ છે. બીએસઈમાં 8.83 કરોડ ઈન્વેસ્ટ અકાઉન્ટ રજિસ્ટર્ડ છે, જેમાં ગુજરાતનો હિસ્સો 11 ટકા જેટલો છે.
કોરોના મહામારીના પ્રારંભમાં માર્ચ 2020 દરમિયાન શેરબજારમાં થયેલા જોરદાર ધબડકા બાદ તેમાં મોટી તેજી જોવા મળી હતી. જે દરમિયાન ડિમેટ અકાઉન્ટ ખોલાવનારા લોકોની સંખ્યામાં જબરજસ્ત ઉછાળો આવ્યો હતો.