ટીએમસીના સુપ્રીમ મમતા બેનરજી બાદ જાણીતા ચૂંટણી વ્યૂહકાર પ્રશાંત કિશોરે ગુરુવારે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે. 2024ની લોકસભાની ચૂંટણી પહેલા “મોદી વિરુદ્ધ મમતા”નો માહોલ ઊભો કરવાની કોશિશના ભાગરૂપે પ્રશાંત કિશોરેએ  જણાવ્યું હતું કે કોંગ્રેસ છેલ્લાં 10 વર્ષમાં 90 ટકા ચૂંટણીમાં હારી ચુકી છે અને નેતૃત્વ કોઇ એક વ્યક્તિનો દૈવીય અધિકાર નથી.

ચૂંટણીમાં કોંગ્રેસને મળેલા પરાજયનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે વિપક્ષે લોકતાંત્રિક રીતે પોતાના નેતૃત્વનો નિર્ણય કરી લેવો જોઇએ.

પ્રશાંત કિશોરે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે “કોંગ્રેસ જે વિચારધારાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેનું જે સ્થાન છે તે એક મજબૂત વિપક્ષ માટે ઘણું મહત્ત્વનું છે. પરંતુ કોંગ્રેસનું નેતૃત્વ કોઇ એક વ્યક્તિનો દિવ્ય અધિકાર નથી. ખાસ કરીને પાર્ટી છેલ્લા 10 વર્ષમાં 90 ટકાથી વધુ ચૂંટણી હારી ચુકી છે. વિપક્ષે લોકતાંત્રિક રીતે પોતાના નેતૃત્વનો નિર્ણય કરી લેવો જોઇએ.

પ્રશાંત કિશોરે આ નિવેદન મારફત કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તરફ ઇશારો કર્યો હતો.
રસપ્રદ બાબત એ છે કે થોડા મહિના પહેલા પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે તેવી અટકળો હતી. કનૈયા કુમાર અને જિગ્નેશ મેવાણી જેવા યુવા નેતાઓને પણ કોંગ્રેસમાં સામેલ કરવા પાછળ તેમનું ભેજુ હોવાનું માનવામાં આવે છે. પરંતુ તેમણે કોંગ્રેસના નેતૃત્વ સામે સીધો હુમલો કરતાં કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો પર પૂર્ણવિરામ મુકાયું છે.
પ્રશાંત કિશોરે અગાઉ પણ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા. ઓક્ટોબરમાં ગોવામાં એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ભાજપ ઘણા દાયકા સુધી કંઇ જવાનો નથી, પરંતુ રાહુલ ગાંધી છે કે જેઓ સમજવા તૈયાર નથી. આ કાર્યક્રમો પ્રશ્નોતરી સેશનમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપ ભારતની રાજનીતિનું કેન્દ્રબિંદુ બની રહ્યો છે. તે ભલે જીતે કે હારે પણ હાલમાં તેની સ્થિતિ 40 સુધી કોંગ્રેસની હતી તેવી છે. એક વખત તમે રાષ્ટ્રીય સ્તરે 30 ટકા મત હાંસલ કરો પછી તમે ઝડપથી ખતમ થતાં નથી. પરંતુ કોંગ્રેસના નેતા આ સમજતા જ નથી.