ભારત તરફથી ઓપનર મયંક અગ્રવાલ અને રવિચન્દ્રન અશ્વિનના શાનદાર દેખાવ સાથે મુંબઈ ખાતે સોમવારે પુરી થયેલી ન્યૂઝીલેન્ડ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતનો 372 રનના રેકોર્ડ માર્જીન સાથે વિજય થયો હતો. ન્યૂઝીલેન્ડ તેની પહેલી ઈનિંગમાં પોતાના સૌથી ઓછા સ્કોર – 62 રનમાં અને તે પણ ફક્ત 28.1 ઓવર્સમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત પાસે તક હોવા છતાં તેણે ન્યૂઝીલેન્ડની ટીમને ફોલોઓન કરવા જણાવ્યું નહોતું અને બીજી ઈનિંગમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ ફક્ત 56.3 ઓવર્સમાં 167 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી.
મયંક અગ્રવાલ મેન ઓફ ધી મેચ અને રવિચન્દ્રન અશ્વિન મેન ઓફ ધી સીરીઝ જાહેર થયા હતા. અશ્વિને એક જ કેલેન્ડર વર્ષમાં 50 કે તેથી વધુ વિકેટની સિદ્ધિ ચોથી વખત મેળવી એ રીતે પણ ભારતના સૌથી સફળ બોલર તરીકેનો રેકોર્ડ કર્યો હતો. આ અગાઉ, તે રેકોર્ડ અનિલ કુંબલેના નામે ત્રણ વખતનો હતો.
ભારતે પહેલી ઈનિંગમાં ઓપનર મયંક અગ્રવાલની સદી (150), સાથી ઓપનર શુભમન ગિલના 44 તથા અક્ષર પટેલના 52 રન સાથે 325 રનનો પડકારજનક સ્કોર કર્યો હતો. મજબૂત શરૂઆત પછી એક તબક્કે ભારતની સ્થિતિ કથળી ગઈ હતી અને પૂજારા તેમજ સુકાની કોહલી શૂન્ય રને આઉટ થતાં વિના વિકેટે 80 થી ત્રણ વિકેટે 80 રન સ્કોરબોર્ડ ઉપર નોંધાયા હતા.
જો કે, એ પછી શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સહાએ મયંકને સાથ આપતાં અગ્રવાલ 150 રન કરી આઉટ થયો ત્યારે ભારત સાત વિકેટે 291 રનની સંતોષકારક સ્થિતિએ પહોંચી ગયું હતું. સાતમી વિકેટની ભાગીદારીમાં અગ્રવાલ સાથે અક્ષર પટેલે 67 રન કર્યા હતા.
આ ઈનિંગમાં જો કે, ન્યૂઝીલેન્ડના ભારતમાં – મુંબઈમાં જ જન્મેલા એજાઝ પટેલે તમામ 10 વિકેટ ખેરવી રેકોર્ડ કર્યો હતો. એ પછી ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગ ફક્ત 28.1 ઓવરમાં સમેટાઈ ગઈ હતી અને ભારતીય ટીમમાં પાછા ફરેલા ફાસ્ટ બોલર મોહમંદ સિરાજે પહેલી ત્રણ વિકેટ અને એ પછી અશ્વિને ચાર, અક્ષર પટેલે 2 અને જયંત યાદવે એક વિકેટ લીધી હતી. અશ્વિનની બોલિંગનું વિશ્લેષણ તો ખૂબજ પ્રભાવક, 8 ઓવરમાં 2 મેઈડન, 8 રન અને ચાર વિકેટનું હતું.
ભારતને 263 રનની જંગી સરસાઈ મળી હતી, પણ સાઉથ આફ્રિકાના પ્રવાસને તથા છેલ્લી ઈનિંગમાં બેટિંગ કરવાનું આવે નહીં તે બાબતને ધ્યાનમાં લેતાં કોહલીએ ફોલોઓન કરાવવાના બદલે બીજી ઈનિંગમાં પણ બેટિંગ લઈ લીધી હતી. ભારત તરફથી બીજી ઈનિંગમાં પણ મયંક અગ્રવાલ ટોપ સ્કોરર રહ્યો હતો, તેણે 62 રન કર્યા હતા. એ ઉપરાંત ઓપનિંગમાં આવેલા પૂજારા અને ગિલે 47-47 તથા કોહલીએ 36 રન કર્યા હતા. ભારતે બીજી ઈનિંગ 7 વિકેટે 276 રન કરી ડીકલેર કરી દીધી હતી અને ન્યૂઝીલેન્ડને વિજય માટે 540 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
જવાબમાં રવિવારે જ ન્યૂઝીલેન્ડની અડધી ટીમ 45 ઓવર રમતા 145 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી. જ્યારે બાકીની પાંચ વિકેટ તો સોમવારે સવારે ફક્ત 12મી ઓવરમાં, 27 રન ઉમેરતા પડી ગઈ હતી. આ રીતે, ભારતને રનના માર્જિનની દ્રષ્ટિએ સૌથી વધુ 372 રન વિજય મેળવી એક નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. આ પહેલા સાઉથ આફ્રિકા સામે 2015માં 337 રને વિજય થયો હતો.