બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા 7થી 11 ડિસેમ્બર દરમિયાન વિશ્વ વંદનીય સંત બ્રહ્મલીન પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થાન ચાણસદ સહિત સંસ્થાનના વિવિધ મંદિરોમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. બીએપીએસના વડા મહંતસ્વામી મહારાજના હસ્તે બે તબક્કામાં યોજાયેલા દીક્ષા મહોત્સવના પ્રથમ દિવસે 54 અને બીજા દિવસે 55 શિક્ષિત નવયુવાનોએ ત્યાગાશ્રમની દીક્ષા ગ્રહણ કરીને પરિજનોનો ત્યાગ કરી વસુંધૈવં કુટુબકમનો પંથ સહર્ષ સ્વીકાર કર્યો હતો. આમ, બે દિવસમાં ભગવતી અને પાર્ષદ મળીને કુલ 109 દીક્ષાઓ થઇ હતી.
આ પ્રસંગે દેશ-વિદેશમાંથી અંદાજે 600 સંતો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દીક્ષા ગ્રહણ કરનારના પરિવારજનો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દીક્ષા લેનાર 14 વિદેશના, 29 સ્નાતક, 42 એન્જિનિયર, 13 પોસ્ટગ્રેજ્યુએટ ઉપરાંત 46 યુવાનો પોતાના માતા-પિતાના એકના એક સંતાન છે.
દીક્ષાર્થીઓને આશીર્વાદ પાઠવતા મહંતસ્વામી મહારાજે જણાવ્યું હતુ કે, પ્રમુખસ્વામી મહારાજના જન્મ મહોત્સવે આજે યુવાનોએ દીક્ષા લઇ રહ્યા છે એ પોતાનું અને બીજા હજારોનું કલ્યાણ કરશે. પ્રમુખસ્વામી મહારાજ એવા સંત હતા કે એમના જીવનમાંથી સૌને પ્રેરણા મળે છે અને ત્યાગના પંથે આગળ વધે છે. આવા યુવાન અને પવિત્ર સંતો આપણા દેશનું અને સંસ્કૃતિનું ગોરવ વધારશે.
ઉલ્લેખનીય છે કે, બે તબક્કામાં દીક્ષા લેનાર કુલ 109 યુવાનોએ સારંગપુરસ્થિત ચાર દાયકાથી કાર્યરત બીએપીએસના સંત તાલીમ કેન્દ્ર ખાતે ત્રણ વર્ષની સઘન તાલીમ મેળવી હતી. આ પ્રશિક્ષણ કેન્દ્રમાં ધાર્મિક શાસ્ત્રો સહ વિવિધ ધર્મોના તત્વ જ્ઞાનનો અભ્યાસ ઉપરાંત તપ, સેવા, સંયમ જેવા પાઠની સાથે સંગીત, રસોઇ કળા, મેનેજમેન્ટ જેવા અનેક વિષયોના અભ્યાસના અંતે ઉત્તિર્ણ થઇ પાત્રતા મેળવવી જરૂરી હોય છે. સ્વામિનારાયણીય પરંપરા અને પ્રમુખસ્વામી મહારાજના પદ ચિન્હો અનુસાર સન્યાસ એટલે ગૃહત્યાગ કરીને વેરાન વન કે હિમાલયની ખીણમાં રહેવા પૂરતું સીમિત નહી પરંતુ સમાજના દુ:ખે દુ:ખી થઇને સમાજ સેવા સાથે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી એકાંતિક થવુ. સુવિદિત છે કે જ્યારે જ્યારે સમાજ પર અતિવૃષ્ટિ, પુર ભૂકંપ જેવી કુદરતી આફતો કે તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના કાળમાં આ કેન્દ્રમાં તાલીમ પામેલા સંતો સમાજ સેવામાં લાગી ગયા હતા.