વિશ્વભરમાં ફેલાઇ રહેલા કોરોના વાઇરસના નવા સાઉથ આફ્રિકન વેરીઅન્ટ-ઓમિક્રોનથી યુકેમાં પ્રથમ મૃત્યુ નોંધાયું છે. આ અંગે વડા પ્રધાન બોરિસ જોન્સને સોમવારે જણાવ્યું હતું કે, બ્રિટનમાં ઓમિક્રોનથી પ્રથમ મોત થયું છે. યુકેમાં રવિવારે ઓમિક્રોનના 1,239 કેસ નોંધાયા હતા. દેશના હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે કહ્યું હતું કે ક્રિસમસ નજીક છે અને કેસ ઝડપથી વધી રહ્યા છે. તેમણે એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે રોજ 5 લાખથી વધુ લોકોને ઓમિક્રોનનું સંક્રમણ થઇ શકે છે. મોટી ઉંમરની તમામ વ્યક્તિઓ ત્રીજો ડોઝ પણ લઈ લે તે તેમના માટે ફાયદાકારક રહેશે.
ઓમિક્રોન ઝડપથી ફેલાતો હોવાને કારણે યુકે સરકારે રવિવારે દેશમાં કોવિડ અંગેનું એલર્ટ સ્તર ત્રણથી વધારીને ચાર કર્યું છે. યુકે હેલ્થ એજન્સીની સલાહથી ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આરોગ્યલક્ષી સતર્કતા વધારી છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) પણ ઓમિક્રોનની ગંભીરતા જોઇને તેને વેરિઅન્ટ ઓફ કન્સર્નની કેટેગરીમાં સ્થાન આપ્યું છે. હવે UKના વૈજ્ઞાનિકોએ ઓમિક્રોનનો એક નવો રિપોર્ટ આપ્યો છે, જે ચોંકાવનારો છે. આ રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે જો સમયસર સુરક્ષાનાં યોગ્ય પગલાં નહીં લેવાય તો એપ્રિલ 2022 સુધીમાં યુકેમાં ઓમિક્રોનથી 25 હજારથી 75 હજાર લોકોનાં મોત થઈ શકે છે. આ સ્ટડી લંડન સ્કૂલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિન (LSHTM) અને સાઉથ આફ્રિકાની સ્ટેલનબોશ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.