સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજ ગિરીશ ઠાકુરલાલ નાણાવટીનું શનિવારે નિધન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. ભૂતપૂર્વ જજે એમના કાર્યકાળ દરમિયાન દેશના બે મોટા વિવાદાસ્પદ રમખાણોની તપાસ કરી હતી. તેમણે 1984માં શીખ વિરોધી અને 2002ના ગુજરાતના ગોધરા કાંડની તપાસ કરી હતી. એમના પરિવારના સભ્યએ જણાવ્યું કે, શનિવારે ગુજરાત ખાતે બપોરે 1.15 મિનિટે એમનું હાર્ટ એટેકથી નિધન થયું હતું.
જજ નાણાવટીનો જન્મ 17 ફેબ્રુઆરી 1935માં થયો હતો અને તેઓ 11 ફેબ્રુઆરી 1958માં મુંબઇ હાઇકોર્ટના વકીલ તરીકે રજિસ્ટર થયા હતા. તેમને 10 જુલાઇ 1979એ ગુજરાત હાઇ કોર્ટના સ્થાયી જજ નિમણૂક કરવામાં આવ્યા હતા ,જે પછી 1993માં એમની ઓડિશા હાઇ કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. નાણાવટીને 31 જાન્યુઆરી 1994એ ઓડિશા હાઇકોર્ટના મુખ્ય જસ્ટિજ નિમણૂક કરવામાં આવ્યા હતા.
જસ્ટિસ નાણાવટીને 28 સપ્ટેમ્બર 1994એ કર્ણાટક હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. તેઓ માર્ચ 1995એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બન્યા અને 16 ફેબ્રુઆરી 2000એ સેવાનિવૃત થયા હતા. જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ અક્ષય મહેતાએ 2002ના ગોધરા રમખાણો પર એમની છેલ્લી રિપોર્ટ 2014માં ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને સોંપી હતી. ગોંધરા કાંડમાં 1000થી વધુ લોકો માર્યા ગયા હતા.