(BCCI/IPL/ANI Photo)

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને લીલી ઝંડી આપી દીધી છે. હવે આઈપીએલની આ નવી ટીમના કેપ્ટનને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. મીડિયા અહેવાલ પ્રમાણે ભારતીય ટીમનો સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અમદાવાદ ટીમનો સુકાની બની શકે છે. જોકે, દિલ્હીની આગેવાની કરી ચૂકેલો શ્રેયસ ઐય્યર પણ આ સ્પર્ધા સામેલ છે.

હાર્દિક પંડ્યાએ 2015માં આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમતો હતો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આ વખતે વડોદરાના આ ઓલ-રાઉન્ડરને રિટેઈન કર્યો નથી. તેથી હાર્દિક પંડ્યાને આ બંનેમાંથી કોઈ એક ટીમ તેને લઈ શકે છે અથવા તો તે ઓક્શન પૂલમાં જશે.

હરાજી પહેલા અમદાવાદ અને લખનૌ ફ્રેન્ચાઈઝી અન્ય આઠ ફ્રેન્ચાઈઝીઓએ રિટેઈન ન કર્યા હોય તેવા ખેલાડીઓમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકે છે.અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યાને પસંદ કરી શકે છે પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. હાર્દિક પંડ્યાએ ટી20 ફોર્મેટમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ઈજાથી પરેશાન છે. પીઠની ઈજામાંથી મુક્ત થયા બાદ તે ફક્ત બેટિંગ જ કરે છે અને બોલિંગ કરી રહ્યો નથી. જેના કારણે તે આઈપીએલની ગત સિઝનમાં મુંબઈ માટે ફક્ત એક નિષ્ણાત બેટર તરીકે જ રમ્યો હતો. જોકે, તેમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

હાર્દિક પંડ્યા ઉપરાંત અમદાવાદની ટીમ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન પર પણ પસંદગી ઉતારી શકે છે. રાશિદ ખાનને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે રિટેઈન કર્યો નથી. રાશિદ ખાન આઈપીએલના સૌથી સફળ બોલર્સમાં સામેલ છે.

અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ સોમવાર (10 જાન્યુઆરીએ)એ અમદાવાદ આઇપીએલ ટીમના માલિક સીવીસી કેપિટલને ક્લિનચીટ આપી હતી. આની સાથે આઇપીએલ 2022માં અમદાવાદની ટીમને સામેલ કરવાનો પણ માર્ગ મોકળો થયો છે.અમદાવાદ આઇપીએલ ટીમની માલિક કંપની CVC કેપિટલ્સ સામે ઘણા સવાલો ઉઠ્યા હતા, તેનાથી કિક્રેટ બોર્ડે એક કમિટિની રચના કરી તપાસ રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું.

અમદાવાદની ટીમના હેડ કોચ આશિષ નેહરા અથવા રવિ શાસ્ત્રીમાંથી કોઈ એક બની શકે છે. ટીમના મેન્ટોર તરીકે ગેરી કર્સ્ટેન તથા કેપ્ટન તરીકે શ્રેયસ અય્યરની પસંદગી થઈ શકે છે. IPLમાં અમદાવાદની ટીમને CVC ગ્રુપે રૂ.5625 કરોડમાં ખરીદી હતી. CVC ગ્રુપે કેટલીક બેટિંગ કંપનીમાં રોકાણ કર્યું હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો.