Dilip Kumar's film will be celebrated on his birthday
બોલિવૂડ એક્ટર દિલીપ કુમાર REUTERS/B Mathur/File Photo

ગત વર્ષ બોલીવૂડ સહિત ભારતીય ફિલ્મ જગત અને ફિલ્મ ચાહકો માટે ઘેરા આઘાતરૂપ બની રહ્યું. વર્ષ 2021માં ખાસ તો બોલીવૂડના મોટાગજાના ઘણા ફિલ્મકારો-સંગીતકારે હંમેશા માટે વિદાય લઇ લીધી હતી.

દિલીપકુમાર

દિલીપકુમારનું 99 વર્ષની વયે 7 જુલાઇના રોજ મુંબઇમાં અવસાન થયું હતું. તેમનું સાચું નામ મોહમ્મદ યુસુફ ખાન હતું અને તેમનો જન્મ 11 ડિસેમ્બરના રોજ પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. તેમણે 54 વર્ષની લાંબી કારકિર્દીમાં જવારભાટા, દેવદાસ, મુઘલ-એ-આઝમ, કોહીનૂર, મધુમતી, રામ ઔર શ્યામ, ગંગા જમુના, નયાદૌર, સૌદાગર, વિધાતા અને ક્રાંતિ જેવી ફિલ્મોમાં યાદગાર અભિનય આપ્યો હતો. તેમને શ્રેષ્ઠ અભિનય માટે કુલ આઠ ફિલ્મ ફેર એવોર્ડ્ઝ મળ્યા હતા.

સિદ્ધાર્થ શુકલા
ટેલિવિઝન અને ફિલ્મોના યુવાન અભિનેતા સિદ્ધાર્થ શુકલાએ બાલીકા બધુ, દિલ સે દિલ તક, બ્રોકન બટ બ્યુટિફૂલ-૩ અને બીગ બોસ વગેરે ટીવી સિરિયલોમાં જુદાં જુદાં પાત્રો ભજવ્યાં હતાં. ખાસ કરીને સિદ્ધાર્થ શુકલા બીગ બોસ-13ના વિજેતા તરીકે ઘણો લોકપ્રિય થયો હતો. સિદ્ધાર્થ શુકલાનું હૃદયરોગના હુમલાના કારણે મુંબઇમાં 2 સપ્ટેમ્બરે અવસાન થયું હતું.

સુરેખા સિક્રી
પીઢ અભિનેત્રી સુરેખા સિક્રીએ હિન્દી નાટકો, ટીવી સિરિયલો અને ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. સુરેખા સિક્રીએ કિસ્સા કુર્સી કા, તમસ, મમ્મો, બધાઇ હો, સરફરોશ વગેરે ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. આ ઉપરાંત બાલિકા વધૂ, બનેગી અપની બાત, પરદેસ મેં હૈ મેરા દિલ અને કેસર વગેરે ટીવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સુરેખા સિક્રિને ઉત્તમ અભિનેત્રી તરીકે ત્રણ નેશનલ એવોર્ડ્ઝ પણ મળ્યા હતા.

રાજ કૌશલ
ફિલ્મ દિગ્દર્શક રાજ કૌશલનું 30 જુને હૃદયરોગના હુમલામાં અવસાન થયું હતું. તેમણે પ્યાર મેં કભી કભી અને શાદી કા લડ્ડુ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેઓ જાણીતી-ફિલ્મ અને ટીવી સીરિયલોની અભિનેત્રી અને એન્કર મંદિરા બેદીના પતિ હતા.

શ્રવણ રાઠોડ
1990ના દાયકામાં બોલીવૂડમાં સંગીત ક્ષેત્રે નદીમ-શ્રવણની જોડીનું નામ ખૂબ જ જાણીતું બન્યું હતું. આ જોડીમાંથી શ્રવણનું અવસાન 22 એપ્રિલે થયું હતું. તે બંનેએ આશિકી, સાજન, દિવાના, સડક, દિલ હૈ કી માનતા નહીં, રાજા હિન્દુસ્તાની, ધડકન વગેરે સુપરહીટ ફિલ્મોમાં યાદગાર સંગીત આપ્યું છે. શ્રવણ રાઠોડ શાસ્ત્રીય સંગીતના જાણીતા ગાયક સ્વ.ચત્રભુજ રાઠોડના પુત્ર હતા.

રાજીવ કપૂર
રાજ કપૂરના સૌથી નાના પુત્ર રાજીવ કપૂરે રામ તેરી ગંગા મૈલી, એક જાન હૈ હમ, પ્રેમગ્રંથ, આસમાન, લવરબોય વગેરે ફિલ્મોમાં ભૂમિકાઓ ભજવી હતી. 59 વર્ષીય રાજીવ કપૂરનું અવસાન 9 ફેબ્રુઆરીએ મુંબઇમાં થયું હતું. રામ તેરી ગંગા મૈલી ફિલ્મની અભિનેત્રી મંદાકિનીએ તેના નિધન પર શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી.

વિક્રમજીત કંવરપાલ
ઇન્ડિયન આર્મીના ભૂતપૂર્વ અધિકારી વિક્રમજીત કંવરપાલે નિવૃત્ત થઇને બોલીવૂડમાં નસીબ અજમાવ્યું હતું. તેમણે પેજ-થ્રી, રોકેટ સિંહ-સેલ્સમેન ઓફ ધ યર, આરક્ષણ, મર્ડર, ધ ગાઝી એટેક વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. ઉપરાંત તેમણે દિયા ઔર બાતી, દિલ હી તો હૈ, તેનાલી રામ વગેરે ટીવી સિરિયલોમાં પણ અભિનય કર્યો હતો. વિક્રમજીતનું અવસાન 1 મે ના રોજ થયું હતું.