(istockphoto.com)
ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટ આધારિત કોરોનાના ત્રીજી મોજાને કારણે લગ્નસરાની મોસમમાં ભંગ પડ્યો છે. કોરોના ઉપર કાબુ માટે દેશના વિવિધ રાજ્યોમાં આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે, લગ્ન સમારંભોમાં મહેમાનોની હાજરી ઉપર પણ મર્યાદા મુકાઈ છે.
દિલ્હી સરકારે લગ્નપ્રસંગમાં 20 વ્યક્તિની મર્યાદા મૂકી છે. તેનાથી ભારતની પરંપરાગત લગ્નસરાની મોસમને ફટકો પડ્યો છે. દેશમાં સામાન્ય રીતે નવેમ્બરથી માર્ચ દરમિયાન મોટાપાયે લગ્નો થતા હોય છે. સરકારે લગ્નોની મંજૂરી આપી છે, પરંતુ લોકોની સંખ્યા પર મર્યાદા મૂકી હોવાથી મહેમાનોની યાદી ઘટાડવાનું મુશ્કેલ બન્યું છે.
ઘણી જગ્યાએ અગાઉથી આયોજન કર્યા પછી લગ્નો મોકૂફ રાખવા પડ્યા છે. દિલ્હીની હીના વશિષ્ઠ લગ્નના બંધનમાં બંધાવા માટે આતુર હતી અને 10 ફેબ્રુઆરીએ લગ્ન માટે તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ કોરોનાના કેસોમાં વધારો થતાં સમગ્ર તૈયારી પાણીમાં ગઈ હતી. લગ્નમાં મહેમાનોની યાદી 750થી ઘટાડીને 20 કરવી પડી હતી. પાર્ટી પ્લોટનું બૂકિંગ રદ કરવું પડ્યું હતું અને એડવાન્સ પેમેન્ટ જતું કરવું પડ્યું હતું.
મહામારી પહેલાના સમયગાળામાં ડીસેમ્બરના વીકએન્ડમાં એક જ દિવસમાં દેશની રાજધાનીમાં 20,000થી વધુ લગ્નો થતાં હતા. નવેમ્બર-માર્ચમાં આ સમયગાળોમાં વેડિંગ સંબંધિત ઉદ્યોગો મોટા ભાગની કમાણી કરતા હોય છે. કોરોનાના કેસો ઘટતાં દેશમાં લગ્નોના મોટાપાયે આયોજન થયા હતા.
વેડિંગ ઇન્ડસ્ટ્રીના સપ્લાયર્સ પણ ખોટ કરી રહ્યા છે. અગાઉ તેમની આવક આશરે 50 બિલિયન ડોલર જેટલી રહેતી હતી. નવી દિલ્હીનો સૌથી મોટી વેડિંગ માર્કેટમાં સમાવેશ થાય છે. 14 નવેમ્બરે શહેરમાં આશરે 5,000 લગ્નો થયા હતા. પરંતુ તમામ લગ્નો સાદાઈથી થયા હતા. ગોવા જેવા હનીમૂન ડેસ્ટિનેશનના ઉદ્યોગો પણ હાલમાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે, કારણ કે મોટાભાગના હોટેલ બૂકિંગ રદ થઈ રહ્યાં છે. ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની રાશી એન્ટરટેઇનમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ જૈને માને છે કે કોરોના નિયંત્રણો માટે તેમની ઇન્ડસ્ટ્રી સોફ્ટ ટાર્ગેટ છે.