(PTI PHOTO)

તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ કથિત બેન્ક ફ્રોડ સંબંધિત  મની લોન્ચરિંગ કેસમાં તપાસના ભાગરુપે રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને નવેસરથી સમન્સ પાઠવ્યું છે અને તેમનને પૂછપરછ માટે 14 નવેમ્બરે ઇડીની ઓફિસે બોલાવ્યા છે. ઓગસ્ટમાં ફેડરલ તપાસ એજન્સીએ આ 66 વર્ષીય ઉદ્યોગપતિની લગભગ દસ કલાક પૂછપરછ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, SBI સાથે રૂ.2,929 કરોડની લોન છેતરપિંડી માટે રિલાયન્સ કોમ્યુનિકેશન લિમિટેડ (RCom) સામેના કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે તેમને 14 નવેમ્બરના રોજ જુબાની આપવા માટે કહેવામાં આવ્યું છે. એકવાર તેઓ જુબાની આપી દેશે, પછી એજન્સી છેલ્લી વખતની જેમ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધશે.

EDની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની 21 ઓગસ્ટના રોજ નોંધાયેલી FIR આધારિત છે. નાણાકીય મુશ્કેલીમાં મુકાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપની આસપાસ નિયમનકારી ગાળિયો વધુ મજબૂત બની રહ્યો છે. અગાઉ કોર્પોરેટ બાબતોના મંત્રાલય (MCA)એ ગ્રુપની કંપનીઓમાં ભંડોળના કથિત ડાયવર્ઝનની નવેસરથી તપાસનો આદેશ આપ્યો છે. આ તપાસ હવે સિરિયસ ફ્રોડ ઇન્વેસ્ટિગેશન ઓફિસ (SFIO)ને સોંપવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ, રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ અને CLE પ્રાઇવેટ લિમિટેડને આવરી લેવાશે. આ તપાસમાં નાણાંના પ્રવાહને ટ્રેક કરવા અને કથિત ગેરરીતિ માટે જવાબદાર મુખ્ય નિર્ણયકર્તાઓને ઓળખવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે.

અગાઉ આ સપ્તાહના પ્રારંભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે રિલાયન્સ ગ્રુપ કંપનીઓની આશરે ₹7,500 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી હતી. EDનો કેસ 2010 અને 2012ની વચ્ચે રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (RCOM) અને તેની ગ્રુપ કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોન સંબંધિત છે. એજન્સી અનુસાર લોનની કુલ બાકી રકમ રૂ.40,185 કરોડ છે અને પાંચ બેન્કોએ લોન ખાતાઓને ફ્રોડ જાહેર કર્યા છે.

 

 

 

 

LEAVE A REPLY