સિંગાપોરમાં ત્રણ ભારતીય યુવાનો પર નવા વર્ષની પાર્ટીમાં કોવિડ-19ના નિયમોનો ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. શહેરના જાણીતા સ્થળે યોજાયેલી પાર્ટીમાં તેમણે નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહેવાય છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં જોઇ શકાય છે કે ગત 31 ડિસેમ્બરે કલાર્ક ક્વે વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન હરજેઝ સિંહ, પુલકિત વર્મા, વેંકટા સાઇ રોહનકૃષ્ણા અને વિલિયમ એલેક્ઝાન્ડર બૂ્રક્સન પર એક મીટરનું અંતર ન જાળવીને માસ્ક ન પહેરવાનો આરોપ મુકવામાં આવ્યો છે. તમામ આરોપીઓની ઉંમર 19થી 22 વર્ષની વચ્ચે છે. વેંકટા પર સ્પાઇડરમેનનો કોસ્ચ્યુમ પહેરીને 20 લોકોને મળવાનો વધુ આરોપ પણ મૂકવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી કોર્ટમાં આઠ ફેબ્રુઆરીએ થશે. જો તેઓ આ આરોપમાં દોષિત ઠરશે તો તેમને છ મહિનાની જેલ સજા અને 10,000 સિંગાપોર ડોલરનો દંડ ફટકારવામાં આવશે.
કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સિંગાપોરની સરકાર કડક પગલા લઇ રહી છે. જેમાં એક મીટરનું અંતર જાળવવું, માસ્ક પહેરેવું અને ભોજન માટે પાંચથી વધુ લોકોએ એકત્ર ન થવા જેવા નિયમોનો સમાવેશ થાય છે.