વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટને જનતાલક્ષી, પ્રગતિશીલ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોકાણ, આર્થિક વૃદ્ધિ અને રોજગારી માટે તમામ સંભાવના ધરાવતું બજેટ ગણાવ્યું હતું.
મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્રીય બજેટનું મહત્ત્વનું પાસુ ગરીબના કલ્યાણ અંગેનું છે. તે હાલની સમસ્યાનો ઉકેલ લાવવાનો તથા આમ આદમી માટે નવી તકોનું સર્જન કરવાનો હેતુ ધરાવે છે. આ બજેટ દરેક ગરીબ પરિવાર માટે પાકુ મકાન, ટોઇલેટ, ટેપ વોટર અને ગેસ કનેક્શન સુનિશ્ચિત કરવા માગે છે. તેની સાથે સાથે આધુનિક ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર પણ ફોકસ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે સૈકાઓમાં એક વખત આવતી કુદરતી આપત્તિ વચ્ચે આ વર્ષનું બજેટ વિકાસનો નવો વિશ્વાસ લાવે છે. તે અર્થતંત્રને મજબૂત બનાવીને આમ આદમી માટે નવી તકોનું સર્જન કરે છે. પર્વતમાળા યોજનાથી હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર તથા ઉત્તરપૂર્વ જેવા પર્વતીયાળ વિસ્તારમાં પરિવહનની નવી સિસ્ટમ ઊભી કરશે.
મોદીએ જણાવ્યું હતું કે ખેડૂતો માટે ડ્રોન, વંદે ભારત ટ્રેન, ડિજિટલ કરન્સી, 5G સર્વિસ, નેશનલ ડિજિટલ હેલ્થ સિસ્ટમ જેવા પગલાં મારફત જીવનના દરેક ક્ષેત્રમાં આધુનિકતા અને ટેકનોલોજી માટેની યોજનાથી યુવાનો, મધ્યવર્ગ, ગરીબો, દલિત અને પછાત વર્ગને પુષ્કળ લાભ થશે.














