ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, પહેલી ફેબ્રુઆરીએ સંસદમાં 2022-23ના નાણાકીય વર્ષનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. . (PTI Photo/Kamal Kishore)

ભારતના નાણાપ્રધાન નિર્મલા સીતારમણે મંગળવાર, 1, ફેબ્રુઆરીએ આગામી નાણાકીય વર્ષ માટે રૂ.39.45 ટ્રિલિયન (529.7 બિલિયન ડોલર)ના બજેટની જાહેરાત કરી હતી. બજેટમાં કોરોના મહામારીથી અર્થતંત્રને બેઠું કરવા માટે હાઇવે અને એફોર્ડેબલ હાઉસિંગ સહિતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.

સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં 9.2 ટકાના અંદાજિત આર્થિક વૃદ્ધિદરની સામે આગામી વર્ષે 8થી 8.5 ટકા આર્થિક વૃદ્ધિનો અંદાજ છે. ગયા વર્ષે ભારતની જીડીપીમાં 6.6 ટકાનો ઘટાડો થયો હતો. ઊંચી આર્થિક વૃદ્ધિનો પાયો નાંખવાની પ્રતિબદ્ધતા આપતા નાણાપ્રધાને જણાવ્યું હતું કે અર્થતંત્રમાં સ્માર્ચ રિકવરી દેશની મજબૂત પ્રતિકારક્ષમતાનું પ્રતિબિંબ છે.

નાણાપ્રધાને હાઇવે વિસ્તરણ પ્રોગ્રામ માટે રૂ.200 અબજ (2.68 બિલિયન ડોલર)ની જાહેરાત કરી હતી. આગામી ત્રણ વર્ષમાં 400 નવી ટ્રેન ચાલુ કરવાની પણ યોજના છે. સરકારનો કુલ અંદાજપત્રિય ખર્ચ ચાલુ નાણાકીય વર્ષની સરખામણીમાં 4.6 ટકા વધુ હશે. સરકારે તેના મૂડીખર્ચને ચાલુ નાણાકીય વર્ષના રૂ.5.54 લાખ કરોડથી 35.4 ટકા વધીને રૂ.7.50 લાખ કરોડ કરવાની દરખાસ્ત કરી છે. મૂડીખર્ચમાં વધારાથી અર્થતંત્રને વેગ મળશે.
કોરોના મહામારીને કારણે ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાાધ જીડીપીના 6.9 ટકા રહેશે, જે અગાઉના 6.8 ટકાના લક્ષ્યાંક કરતાં થોડી વધુ છે. આગામી નાણાકીય વર્ષમાં સરકારને રાજકોષીય ખાધ જીડીપીના 6.4 ટકા રહેવાનો અંદાજ છે. સરકારને ખાનગીકરણના પ્રોગ્રામ અને જીવન વીમા નિગમના આઇપીઓથી વધુ આવક થવાની ધારણા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ફિઝિકલ અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકી રહી છે. બિઝનેસને ખર્ચમાં ઘટાડો કરવા માટે તે સરકારની ટોચની પ્રાથમિકતા છે. સીતારમણે જણાવ્યું હતું કે આ માસ્ટર પ્લાનો મુખ્ય હેતુ વર્લ્ડ ક્લાસ, મોર્ડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો છે. સરકાર લોકો અને ગૂડ્સ એમ બંનેના પરિવહન માટે વિવિધ માધ્યમો વચ્ચે સંકલન કરવા માગે છે.

નાણાપ્રધાન બ્લોકચેઇન અને બીજી સપોર્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આગામી નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની પણ જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીની રજૂઆતથી દેશની ડિજિટલ ઇકોનોમીને મોટો વેગ મળશે. ડિજિટલ કરન્સીથી વધુ કાર્યક્ષમ અને સસ્તા કરન્સી મેનેજમેન્ટની સિસ્ટમ લાવી શકાશે.

નાણાપ્રધાન દેશમાં 5G ટેલિકોમ સર્વિસ ચાલુ કરવા આગામી વર્ષમાં 5G સ્પેક્ટ્રમની હરાજી કરવાની પણ જાહેરાત કરી છે. ટેલિકોમ કંપનીઓ હાલમાં પ્રાયોગિક ધોરણે ભારતમાં 5G સર્વિસ ઓફર કરે છે. ભારતી એરટલે નોકિયાની ભાગીદારીમાં 700 MHz બેન્ડમાં પ્રોયોગિક ધોરણે 5G સર્વિસ ચાલુ કરી છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પોતાના બજેટ પ્રવચનમાં ભારતની પાંચ નદીઓને જોડવાના એક પ્રોજેક્ટની દરખાસ્ત કરી છે. આ પ્રોજેક્ટ હેઠળ ગોદાવારી-ક્રિષ્ણા, ક્રિષ્ના-પેન્નાર અને પેન્નાર-કાવેરી, દમણગંગા-પિજલ અને તાપી-નર્મદા નદીઓને જોડવાની યોજના છે.

સરકારે રાજકોષીય ખાધ વધુ રહેવાની જાહેરાત કર્યા બાદ ભારતના 10 વર્ષની મુદતના બેન્ચમાર્ક બોન્ડની યીલ્ડ વધીને 6.76 ટકા થઈ હતી, જે વ્યાજદરમાં વધારાનો સંકેત આપે છે. સરકારના જંગી મૂડીખર્ચની યોજનાને પગલે ભારતના શેરબજારના બેન્ચમાર્ક સેન્સેક્સમાં આશરે 1.5 ટકાનો ઉછાળો આવ્યો હતો. ડોલર સામે રૂપિયો વધીને 74.54 થયો હતો.